વઢવાણના કોઠારિયામાં 11 એપ્રિલથી ભાગવત કથાનો પ્રારંભ:વજા ભગતની પુણ્યતિથિ નિમિત્તે જીગ્નેશદાદા કથાનું રસપાન કરાવશે
વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર દ્વારા શ્રી વજા ભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ કથા 11 એપ્રિલથી 17 એપ્રિલ સુધી યોજાશે. આ સપ્તાહ દરમિયાન પ્રખ્યાત કથાકાર જીગ્નેશદાદા 'રાધેરાધે' સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. કથાના સાત દિવસ દરમિયાન દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન પોથીયાત્રા, શોભાયાત્રા, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, વામન જન્મોત્સવ, ગિરિરાજ ઉત્સવ અને રુકિમણી વિવાહ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. રાત્રિના સમયે લોક ડાયરો અને રાસ-ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રસંગે રાજ્યભરના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. જેમાં દુધરેજ વડવાળા મંદિરના મહામંડલેશ્વર પૂ. કનીરામ બાપુ, લઘુ મહંત પૂ. નાગરદાસ બાપુ, કોઠારી પૂ. મુકુંદરામ બાપુ અને દુધઈ વડવાળા મંદિરના પૂ. રામબાલક દાસ બાપુ સહિતના સંતો-મહંતો અને મહાનુભાવો હાજરી આપશે. આયોજનને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોઠારી મુકુંદરામ બાપુ, સ્વ. વજા ભગતના ભાઈ, તેમજ આગેવાનો ઘનશ્યામભાઈ સાવધરીયા, દેવશીભાઈ પઢેરીયા, જયદીપભાઈ પ્રજાપતિ, રબારી સમાજના આગેવાનો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →