AAP એ ઇંધણ અછત, મોંઘવારી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી:ટ્રાન્સપોર્ટ કટોકટી અને વેપાર-રોજગાર પર અસર મુદ્દે તાત્કાલિક પગલાંની માંગ

Gujarat5/21/2026, 12:08:35 PM
AAP એ ઇંધણ અછત, મોંઘવારી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી:ટ્રાન્સપોર્ટ કટોકટી અને વેપાર-રોજગાર પર અસર મુદ્દે તાત્કાલિક પગલાંની માંગ
ગુજરાતમાં ડીઝલની અછત, મોંઘવારી અને ટ્રાન્સપોર્ટ કટોકટીને કારણે સામાન્ય જનજીવન અને વેપાર-રોજગાર પર ગંભીર અસર પડી રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્ય સરકાર સમક્ષ તાકીદે પગલાં ભરવા માટે નિવાસી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. AAP એ પોતાની રજૂઆતમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની સમસ્યાઓ પર ભાર મૂક્યો છે. ઈંધણની અછતને કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ પડ્યા છે, જેના લીધે સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. પાર્ટીએ માંગ કરી છે કે તમામ હાઈવે પરના ઈંધણ સ્ટેશનો પર ટ્રક અને ટેમ્પો માટે ૨૪ કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે થતી સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે કડક 'વિજિલન્સ તપાસ કમિટી' નીમવામાં આવે. સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા AAP એ જણાવ્યું કે, ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડામાં વધારાને કારણે શાકભાજી, ખાદ્યતેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યા છે. આ મોંઘવારીમાંથી જનતાને બચાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના હસ્તકના વેટ (VAT) અને સેસમાં તાત્કાલિક ઘટાડો કરી ઈંધણના ભાવ નીચા લાવે તેવી માંગ કરવામાં આવી છે. બજારમાં ઊભી કરાતી કૃત્રિમ મોંઘવારી રોકવા માટે દરેક જિલ્લા સ્તરે 'પ્રાઈસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ' કાર્યરત કરવાની પણ ભલામણ કરાઈ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે અને જિલ્લા પ્રમુખ સ્નેહલ જે. ધોતિયાર દ્વારા જણાવાયું છે કે વર્તમાન પરિસ્થિતિ અત્યંત અસહ્ય બની ચૂકી છે. જો આ પ્રશ્નો પ્રત્યે યુદ્ધના ધોરણે ત્વરિત ધ્યાન આપવામાં નહીં આવે, તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતિ છે.
Read Original Article →