ગુજરાત પોલીસનું ‘ઓપરેશન મિલાપ’ સફળ:બે અઠવાડિયામાં 701 ગુમ લોકો શોધી પરિવારોને મળાવ્યા

Gujarat5/21/2026, 11:56:36 AM
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન મિલાપ’ સફળ:બે અઠવાડિયામાં 701 ગુમ લોકો શોધી પરિવારોને મળાવ્યા
ગુજરાત સરકારે રાજ્ય પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ‘ઓપરેશન મિલાપ’ અભિયાન શરૂ કર્યું છે. આ વિશેષ અભિયાન અંતર્ગત પોલીસે 7 મે થી 21 મે દરમિયાન, એટલે કે માત્ર બે અઠવાડિયામાં, રાજ્યભરમાંથી 701 ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું છે.શોધાયેલા કુલ 701 લોકોમાં 19 સગીર છોકરા, 97 સગીર છોકરીઓ, 417 મહિલાઓ અને 168 પુરુષોનો સમાવેશ થાય છે. આ આંકડા ઓપરેશનની વ્યાપક સફળતા દર્શાવે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસને જરૂરી તમામ સંસાધનો ઉપલબ્ધ કરાવાયા છે. તેમણે ઉમેર્યું કે, વર્ષોથી વિખૂટા પડી ગયેલા સ્વજનો પાછા મળતા અનેક પરિવારોના ચહેરા પર સ્મિત પાછું આવ્યું છે. વર્ષ 2007થી અત્યાર સુધી રાજ્યમાં 24,767થી વધુ લોકો ગુમ થયાના કેસ નોંધાયેલા છે. ગુજરાત પોલીસ આ તમામ કેસોને ઉકેલવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. CID ક્રાઇમ અને રેલવે (મહિલા સેલ)ના ADGP અજય ચૌધરીના જણાવ્યા મુજબ, પોલીસ અધિકારીઓને ડેટા, ડિજિટલ પુરાવા અને ટેકનિકલ-હ્યુમન ઇન્ટેલિજન્સ આધારિત 15 પોઇન્ટની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) સોંપવામાં આવી છે. આધુનિક તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગુમ થયેલા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, મોબાઇલ લોકેશન તેમજ સરકારી હોસ્પિટલો અને આશ્રયસ્થાનોની તપાસ કરવામાં આવી રહી છે. આ અભિયાન માત્ર લોકોને શોધવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનો મુખ્ય હેતુ માનવ તસ્કરી (Human Trafficking), બાળ તસ્કરી અને નવજાત બાળકોના વેચાણ સાથે સંકળાયેલી ગુનાહિત ગેંગને નેસ્તનાબૂદ કરવાનો પણ છે. આ ઓપરેશન અંતર્ગત એક સફળ ઉદાહરણ સામે આવ્યું છે. વડોદરાના પાદરામાંથી વર્ષ 2016માં પોતાના 5 વર્ષના પુત્ર સાથે ગુમ થયેલી એક મહિલાને સોશિયલ મીડિયા ટ્રેકિંગ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ ખાતેથી શોધી કાઢવામાં આવી છે. તેનો પુત્ર હવે 15 વર્ષનો થઈ ચૂક્યો છે.
Read Original Article →