જનસેવા કેન્દ્રની લાંબી લાઈનોમાંથી મુક્તિ:સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જાતિ-આવકના પ્રમાણપત્ર સહિત 14થી વધુ સેવાઓ ઘરે બેઠા મળશે
રાજ્ય સરકારે નાગરિકોને જનસેવા કેન્દ્રની લાંબી લાઈનોમાંથી મુક્તિ આપવા માટે "સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ" શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા નાગરિકો અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા 14થી વધુ સરકારી સેવાઓનો લાભ મેળવી શકશે. આ પોર્ટલનો મુખ્ય હેતુ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી, પારદર્શક રીતે અને સમયનો બચાવ કરીને ઉપલબ્ધ કરાવવાનો છે. આ અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે એક જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા "સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ" વિશે લોકોને સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે એક વિશેષ માર્ગદર્શક વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં પોર્ટલ પર ઉપલબ્ધ સેવાઓ, ઓનલાઈન અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ પહેલથી સામાન્ય નાગરિકોને નાની-મોટી સેવાઓ માટે મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર સુધી જવાની જરૂર રહેશે નહીં. તેમને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી પણ મુક્તિ મળશે, કારણ કે તેઓ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવી શકશે. "સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ" મારફતે જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, નામ કઢાવવા અને ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા સહિત 14થી વધુ સરકારી સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. આ પોર્ટલના ઉપયોગથી નાગરિકોનો સમય અને ખર્ચ બચશે, તેમજ સરકારી સેવાઓ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ બનશે. ગ્રામ્ય વિસ્તારના લોકો, વિદ્યાર્થીઓ, વડીલો અને સામાન્ય નાગરિકો સુધી આ ડિજિટલ સેવાઓનો લાભ વધુમાં વધુ પહોંચે અને લોકો ડિજિટલ માધ્યમોનો વધુ ઉપયોગ કરે તે હેતુથી આ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તૈયાર કરાયેલ વિડિયો દ્વારા લોકોને "ઘરે બેઠા સેવા – સરળ સેવા"ના અભિગમ સાથે સરકારી સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારની આ ડિજિટલ પહેલને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવામાં આ પ્રયાસ મહત્વપૂર્ણ સાબિત થશે.
Read Original Article →