મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને 'COS' બેઠક યોજાઈ:બાળકોના પોષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

Gujarat6/10/2026, 12:44:01 PM
મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને 'COS' બેઠક યોજાઈ:બાળકોના પોષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને આજે ઉચ્ચ સ્તરીય સચિવોની સમિતિ (COS) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને પોષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા અતિ મહત્વના વિષયો પર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ તેમજ જિલ્લા મથકોથી સંબંધિત અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ (VC) ના માધ્યમથી હાજરી આપી હતી. સુરેન્દ્રનગરના DDO કે. એસ. યાજ્ઞિક પણ અન્ય અધિકારીઓ સાથે વીસીમાં જોડાયા હતા. બેઠકમાં બાળકોના પોષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં કુપોષણ નાબૂદીના લક્ષ્યાંક સાથે આંગણવાડીઓ અને મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત બાળકોને અપાતા પૌષ્ટિક આહારની ગુણવત્તા વધુ સુદ્રઢ કરવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય અને સુખાકારીના મુદ્દે નવજાત શિશુઓ અને કિશોરોમાં આરોગ્યના સ્તરમાં સુધારો લાવવા, રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા તેમજ સમયાંતરે હેલ્થ ચેક-અપ કેમ્પના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે પ્રાથમિક શિક્ષણના સ્તરને વધુ ઉંચું લાવવા, ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા અને શાળાઓમાં આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, બાળકો એ દેશ અને રાજ્યનું ભવિષ્ય છે. તેમના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાય નહીં. તેમણે તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાધીને કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ ગ્રાઉન્ડ લેવલ સુધી સચોટ રીતે થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. બેઠકના અંતે, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા તમામ અધિકારીઓએ મુખ્ય સચિવ દ્વારા આપવામાં આવેલા સૂચનો અને દિશા-નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાની ખાતરી આપી હતી.
Read Original Article →