અકસ્માતનો ભય:લખતર - લીંબડી સ્ટેટ હાઈવે ઉપરના પુલમાં ગાબડું
લખતર તાલુકામાંથી પસાર થતા લખતર - લીંબડી સ્ટેટ હાઈવે ઉપર આવેલ પુલ હાલ જોખમી હાલતમાં પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. પુલના સ્લેબના જોઇન્ટમાં મોટું ગાબડું પડતા વાહનચાલકોમાં તો ભારે ભયનો માહોલ સર્જાયો છે. અગાઉ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલના રિપેરિંગની કામગીરી હાથ ધરાશે તેવી વાતો પણ કરવામાં આવી હતી. જોકે ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી પુલના સમારકામ અંગે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પુલની સ્થિતિ દિવસે ને દિવસે વધુ જર્જરિત બનતી જઈ રહી છે. હાલ પુલ ઉપર પડેલા મોટા ખાડાને કારણે ટુ-વ્હીલર અને નાના વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થયું છે. વાહનચાલકોનું કહેવું છે કે જો તાત્કાલિક અસરથી યોગ્ય મરામત અને સુરક્ષા વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. લોકો દ્વારા માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા તંત્રને તાત્કાલિક પુલનું સમારકામ શરૂ કરવા, ભારે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવા અને સલામતીના પૂરતા પગલાં લેવા માંગ ઉઠી રહી છે. પુલના પ્રવેશદ્વારે મૂકેલી રેલિંગ પણ તૂટી ગઈ
ભારે વાહનોને પુલ પરથી પસાર થતા રોકવા માટે વિભાગ દ્વારા પુલના પ્રવેશદ્વારે રેલિંગ મૂકવામાં આવી હતી. પરંતુ અનેક ભારે વાહનચાલકોએ આ રેલિંગ તોડી નાખી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે આજે પણ ટ્રક, ડમ્પર અને અન્ય ભારે વાહનો બેફામ રીતે પુલ પરથી પસાર થઈ રહ્યા છે. તો તંત્ર મૂકપ્રેક્ષક બની અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા એક મહિનાથી ગાબડું છે
પુલ ભારે વાહનો માટે બંધ છે. તેમ છતાં ભારે વાહનો પુલ પર અવર જ્વર કરે છે. તંત્ર નિંદ્રાધીન છે. છેલ્લા એક મહિનાથી આ પુલ પર ગાબડું છે. તેમ છતાં આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. આનાથી એ સાબિત થાય છે કે, તંત્ર ના અધિકારીઓ રોડ ઉપર યોગ્ય ધ્યાન આપતા નથી. - મહેશભાઈ, વાહનચાલક. રિપેરિંગની જાણ નથી, તપાસ કરાવીને કામગીરી શરૂ કરીશું - કૌશલ ચૌહાણ, DE, માર્ગ અને મકાન વિભાગ સવાલ : કેટલા સમયથી પુલ બંધ કરાયો ?
જવાબ: લગભગ એકાદ વર્ષથી પુલ બંધ કરાયો છે. સવાલ : રિપેરિંગ કેમ નથી થયું ?
જવાબ: રિપેરિંગની જાણ નથી. તપાસ કરાવી કામગીરી શરૂ કરીશું. સવાલ : પાક્કું ડાયવર્ઝન ક્યારે થશે?
જવાબ: ચોમાસા પહેલા બની જશે.
Read Original Article →