સફાઈની માંગ:ભોગાવો નદી પ્રદૂષિત થતાં ચાર જોડિયા શહેર, 10 ગામોને અસર

Gujarat6/7/2026, 12:00:00 AM
સફાઈની માંગ:ભોગાવો નદી પ્રદૂષિત થતાં ચાર જોડિયા શહેર, 10 ગામોને અસર
ભોગાવો નદી વઢવાણ સુરેન્દ્રનગર શહેરોને જોડતી મહત્વપૂર્ણ જીવનરેખા સમાન છે. પરંતુ ભોગાવો નદીમાં કચરો બાવળના ઝુંડ અને ગંદકી થતા પ્રદૂષિત બની છે. નદીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભોગાવો નદી શુદ્ધિકરણ અભિયાન હાથ ધરવાની માંગ ઊઠવા પામી છે. ભોગાવો નદી સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપરને જોડે છે. ભોગાવો નદીમાં વઢવાણના ધોળીપોળ વિસ્તારથી મહાવીર સ્વામીની દેરી સુધી નદી પટમાં ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ઉપરાંત ઘરશાળાથી બારી રોડ સુધીના વિસ્તારમાં નદીમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. નદી કિનારે તેમજ પટમાં ગાંડાબાવળ પણ મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા છે. જેના કારણે શુદ્ધિકરણ અભિયાન સામે પ્રશ્નો ઊભા થયા છે. બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તા ભોગવો નદીમાં ઉતર્યા હતા. જેમાં મહેન્દ્રભાઈ પરમાર, ઝરણાબેન જાની વગેરે સ્થાનિક શહેરીજનોનું કહેવું છે કે માત્ર નામ પૂરતું અભિયાન ચલાવવાને બદલે સમગ્ર નદી પટની સફાઈ, ગાંડીવેલ અને ગાંડા બાવળનું દૂરિકરણ તેમજ કચરામુક્ત અભિયાન હાથ ધરવામાં આવે. ભોગાવો નદીને સ્વચ્છ, સુંદર અને રમણીય બનાવવામાં આવે તો શહેરની શોભામાં વધારો થશે તેમજ પર્યાવરણને પણ લાભ મળશે. શહેરીજનો દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ભોગાવો નદીના વ્યાપક સૌંદર્યીકરણ અને સ્વચ્છતા માટે વિશેષ મહા અભિયાન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
Read Original Article →