ડીઝલ માટે ખેડૂતો ની લાંબી લાઈનો લાગી:વઢવાણ પંથકમાં લાંબી લાઈન વચ્ચે ડીઝલ લેવા માટે ખેડૂતો પાસે 7/12 માગતા ખેડૂતો ખફા; પુરાવા આપ્યા બાદ પણ ડીઝલ મળ્યું માત્ર 200 લીટર
સુરેન્દ્રનગર અને વઢવાણ જોડિયા શહેરો સહિત સમગ્ર પંથકમાં પેટ્રોલ અને ડીઝલની તીવ્ર અછત વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે. એક તરફ પેટ્રોલ પંપો પર ઇંધણનો જથ્થો ખૂટી પડતા ખેડૂતોને 24-24 કલાક સુધી લાંબી લાઈનોમાં તપવું પડે છે. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નવા જટિલ પરિપત્રને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. તંત્ર દ્વારા હવે બેરલમાં ડીઝલ ખરીદવા માટે 7/12ની નકલ સહિતના અનેક સરકારી દસ્તાવેજો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સતત વર્તાઈ રહી છે. વઢવાણ સુરેન્દ્રનગરના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પણ ખૂટી પડ્યો છે. ખેડૂતોને ડીઝલ લેવા માટે 24 કલાક સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. હવે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, કોઈ ખેડૂત ડીઝલ લેવા આવે ત્યારે તેની ટ્રેક્ટરની આરસીબુક, 7/12ની નકલ, તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ આ ત્રણ ડોક્યુમેન્ટ લેવા અને વેરિફિકેશન કરવું. જો તમામ લીધેલ ડોક્યુમેન્ટમાં નામો સરખા હોય તો તેમને બેરલમાં ડીઝલ આપવું અને તે પણ 200 લીટરની મર્યાદામાં ડીઝલ આપવું તે અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે વિક્રમસિંહ ડોડિયા, પટેલ કરમશીભાઈ, કોળી રવજીભાઈ, રાજભા જાદવ વગેરેએ જણાવ્યું કે વેપારી અને ઉદ્યોગપતિ માટે કોઈ નિયમો નથી. માત્ર ને માત્ર ખેડૂતો માટે જ આવા નિયમો છે. ખેડૂત વિરોધી નિર્ણયનો વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતો જવાબ આપીશું.
Read Original Article →