આયોજન:જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી તા. 25મીએ, 24મી સુધી ઉમેદવારી પત્ર ભરાશે

Gujarat5/17/2026, 12:00:00 AM
ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે એક સત્તાવાર નોટિસ જાહેર કરાઈ છે. ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ ચૂંટણી નિયમો-1994 ના નિયમ-3 હેઠળ બેઠકની આ નોટિસ જારી કરીને ચૂંટણી પ્રક્રિયાની તારીખો અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી 25 મે 2026 સોમવારના રોજ બપોરે 12 કલાકે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગરના સભાખંડમાં જિલ્લા પંચાયતની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જ મતદાન અને વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ફોર્મ સબમિટ કરવાની વિગત પ્રમુખ કે ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો 24 મે 2026 રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતના સેક્રેટરીને અથવા તેમની ગેરહાજરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયતને કચેરી ખાતે પહોંચાડવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી પણ 24 મે 2026 રવિવારના રોજ બપોરે 2 કલાકથી કરાશે.
Read Original Article →