ઝાલાવાડમાં ખેડૂતે શરૂ કરી ‘મીઠી ક્રાંતિ’:પરંપરાગત ખેતી છોડી મધમાખી ઉછેરનું સાહસ કર્યું, વાર્ષિક 7 ટન મધનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન મેળવી બન્યા પ્રેરણાસ્રોત

Gujarat5/20/2026, 12:35:20 AM
ઝાલાવાડમાં ખેડૂતે શરૂ કરી ‘મીઠી ક્રાંતિ’:પરંપરાગત ખેતી છોડી મધમાખી ઉછેરનું સાહસ કર્યું, વાર્ષિક 7 ટન મધનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન મેળવી બન્યા પ્રેરણાસ્રોત
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ગાંજણવાવ ગામના ખેડૂત ભરત ડેડાણીયાએ મધમાખી ઉછેર દ્વારા 'મીઠી ક્રાંતિ' લાવી છે. તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને વાર્ષિક 7 ટન મધનું ઉત્પાદન કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. આજે આ ખેડૂત મધની ખેતીથી વર્ષે અંદાજે રૂ. 12 લાખની આવક મેળવી રહ્યા છે. પરંપરાગત ખેતીમાં મર્યાદિત આવક અને દેવાના બોજથી પરેશાન ભરતભાઈને વડાપ્રધાનના એક વીડિયોથી પ્રેરણા મળી હતી. દસમા ધોરણ સુધી ભણેલા ભરતભાઈએ 'જાર, જીરું અને કપા, બાકી બધા ગપા' જેવી રૂઢિચુસ્ત માનસિકતા છોડીને મધમાખી ઉછેરનું સાહસ ખેડ્યું. આ નિર્ણય તેમના માટે આર્થિક સમૃદ્ધિની નવી કેડી કંડારનારો સાબિત થયો. ભરતભાઈએ અમદાવાદના ખાદી ગ્રામઉદ્યોગમાંથી મધમાખી ઉછેરની વિધિવત તાલીમ લીધી. શરૂઆતમાં માત્ર 50 મધમાખી પેટીઓથી શરૂઆત કરી હતી. આજે સાત વર્ષના અથાક પરિશ્રમ બાદ તેમનું "શ્રી રામરસ હની" ફાર્મ પાંચ એકર જમીનમાં 600 પેટીઓ સાથે કાર્યરત છે. PMEGP યોજના અને બાગાયત વિભાગની સહાયથી ઝાલાવાડમાં મધમાખી ઉછેરને નવું બળ મળ્યું છે. ભરતભાઈ માટે મધમાખી ઉછેર હવે માત્ર એક વ્યવસાય નથી, પરંતુ તેમની આત્મનિર્ભરતા અને ગૌરવનો પાયો બની ગયો છે, જેણે તેમનું ભાગ્ય બદલી નાખ્યું છે. ગુણવત્તાયુક્ત મધ મેળવવા માટે ભરતભાઈ વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી પદ્ધતિઓ અપનાવે છે. તેઓ મધમાખીની પેટીઓ ફક્ત એવી જગ્યાએ રાખે છે જ્યાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી થતી હોય અને જંતુનાશક દવાઓનો ઉપયોગ નહિવત્ હોય. તેમના ફાર્મ પરથી તલનું મધ મેળવવામાં આવે છે. FSSAI પ્રમાણિત આ મધ 'સરસ મેળા' જેવા સરકારી પ્રદર્શનો અને અમદાવાદ, મોરબી જેવા વિસ્તારોમાં ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીત્યો છે. ખેડૂત ભરત ડેડાણીયાએ જણાવ્યું કે, "પરંપરાગત ખેતીમાં કાળી મજૂરી અને આવક સાવ મર્યાદિત હતી. મધમાખી ઉછેર મારા માટે માત્ર એક વ્યવસાય નથી, પણ મારી આત્મનિર્ભરતા અને ગૌરવનો પાયો છે." વધુમાં જણાવ્યું કે, વરિયાળીના મધ માટે સુરેન્દ્રનગરના ખોડુ ગામની આસપાસના ખેતરોમાં અને અજમાના મધ માટે જામનગર જિલ્લાના જામદુધઈ તેમજ આમરણ વિસ્તારોમાં પેટીઓ સ્થળાંતરિત કરે છે. શ્રેષ્ઠ વાતાવરણની પસંદગી કરવા માટે હું જાતે બાઈક પર બારીકાઈથી સર્વે કરૂ છું. વધુમાં ભરતભાઈએ જણાવ્યું કે, મધમાખીઓ દ્વારા થતા કુદરતી પરાગનયનને કારણે આજુબાજુના એક કિલોમીટરના વિસ્તારમાં ખેત-ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ ચમત્કારિક પરિણામ જોઈને હવે અન્ય ખેડૂતો પણ સામે ચાલીને પોતાના ખેતરમાં પેટીઓ મૂકવા આમંત્રણ આપે છે. વધુમાં જણાવ્યું કે, એક પેટીમાં મારે વર્ષે અંદાજે રૂ. 3,000 જેટલો ખર્ચ થાય છે, સામે એક પેટીમાં વર્ષે અંદાજે રૂ. 6,000 જેટલી આવક થાય છે. હાલમાં આ મધ અમે રૂ. 600 કિલોના ભાવે વહેંચીએ છીએ, અગાઉ અમે કપાસ સહીતની પરંપરાગત ખેતી કરતા હતા, એમાં માંડ અમારા ખર્ચા પાણી જ નીકળતા હતા, મધની ખેતીથી વર્ષે અંદાજે રૂ. 12 લાખની આવક થાય છે. ભરતભાઈનું શુદ્ધ ફિલ્ટરિંગ ધરાવતું મધ FSSAI પ્રમાણિત હોવાથી, આજે અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ અને ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં તેમની પ્રોડક્ટ્સે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીતી લીધો છે. ભરતભાઈનો મધમાખી ઉછેર વ્યવસાય માત્ર તેમના પૂરતો સીમિત નથી, તે અન્ય પરિવારો માટે પણ આજીવિકાનું સાધન બન્યો છે. 'શ્રી રામરસ હની' સાથે સંકળાયેલા ગાંજણવાવના જ દક્ષાબેન દીક્ષિતકુમાર જણાવે છે કે, તેઓ ફાર્મ પરથી સીધું મધ એકઠું કરી, તેને ખાદીના કપડાંથી કુદરતી રીતે ફિલ્ટર કરીને તેનું હાઈજીનિક બોટલિંગ કરે છે; જેનું 'સરસ મેળા' જેવા સરકારી પ્રદર્શનોમાં ભાગ લઈ વેચાણ પણ કરે છે. આ ઉપરાંત બિહારથી આવેલા શ્રમિક રોશન કુમાર અને તેમના અન્ય ત્રણ-ચાર સાથીઓ પણ અહીં કામ કરે છે. રોશન કુમાર આ અંગે હર્ષભેર જણાવે છે કે, યોગ્ય મહેનતાણું અને કામના સારા વાતાવરણને લીધે તેઓ અને તેમનો પરિવાર આજે આત્મનિર્ભર બની શક્યા છે. કોઈપણ સાહસને વટવૃક્ષ બનાવવા માટે યોગ્ય આર્થિક પીઠબળ અને જરૂરી માર્ગદર્શન અનિવાર્ય હોય છે. આ દિશામાં ભરતભાઈને સરકારની વિવિધ યોજનાઓનો બખૂબી સાથ મળ્યો છે. PMEGP યોજના અંતર્ગત તેમને રૂ. 8 લાખની લોન મળી હતી, જેમાં SBI બેંક દ્વારા રૂપિયા 3 લાખની સબસિડી પણ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત, બાગાયત વિભાગ દ્વારા 5 પેટીઓ પર 50 ટકા સબસિડીનો લાભ મળ્યો છે, જેણે તેમને આધુનિક મધમાખી પાલન માટે સક્ષમ બનાવ્યા છે. આજે ભરતભાઈ વાર્ષિક 5થી 7 ટન શુદ્ધ મધનું ઉત્પાદન કરી રહ્યા છે. ભરતભાઈએ ભવિષ્યમાં આ જ મધમાંથી 'આમળા કેન્ડી' બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરી પોતાના વ્યવસાયમાં વધુ મૂલ્યવર્ધન કરવાનું આયોજન પણ વિચાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આધુનિક મધમાખી ઉછેરના પ્રણેતા એવા એન્ટોન જેન્સાના જન્મદિવસની યાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 20 મેના દિવસને 'વિશ્વ મધમાખી દિવસ' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઇકોસિસ્ટમમાં મધમાખીઓના અમૂલ્ય યોગદાન અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલા આ આંતરરાષ્ટ્રીય દિવસની વર્ષ 2026ની થીમ "Bee together for people and the planet: a partnership that sustains us all" રાખવામાં આવી છે. વર્તમાન સમયમાં પરાગનયન કરતા જીવજંતુઓની સંખ્યા ચિંતાજનક હદે ઘટી રહી છે, ત્યારે પર્યાવરણના સંતુલન માટે આપણે પરાગનયન માટે અનુકૂળ ફૂલોના છોડ રોપવા, ખેતીમાં હાનિકારક રસાયણોનો ઉપયોગ ટાળી ઓર્ગેનિક ખોરાક અપનાવવો અને સ્થાનિક મધ ખરીદીને નાના ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ નાનકડા પ્રયાસો થકી જ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047'ના લક્ષ્યાંકને સિદ્ધ કરી શકીશું.
Read Original Article →