ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં દસાડાના પરિવારની અનોખી સિદ્ધિ:પુત્ર-પુત્રીએ 4 ગોલ્ડ જીત્યા, પિતાએ સિલ્વર મેડલ મેળવ્યો

Gujarat4/7/2026, 3:34:25 PM
ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં દસાડાના પરિવારની અનોખી સિદ્ધિ:પુત્ર-પુત્રીએ 4 ગોલ્ડ જીત્યા, પિતાએ સિલ્વર મેડલ મેળવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામના એક પરિવારે ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં અનોખી સિદ્ધિ મેળવી છે. પુત્ર અને પુત્રીએ કુલ ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે, જ્યારે પિતાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. આ પરિવારે કુલ પાંચ મેડલ જીતીને રણકાંઠાનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગરના વલાડ ખાતે યોજાયેલી 45મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં 17 વર્ષીય ઝુવેરીયા ખોખરે સિંગલ ટ્રેપ શૂટિંગ અને ટીમ ઇવેન્ટ શૂટિંગ સ્પર્ધામાં યુથ કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમના નાના ભાઈ ઝીશાનખાન ખોખરે પણ સિંગલ ટ્રેપ શૂટિંગ અને ટીમ ઇવેન્ટ શૂટિંગ સ્પર્ધામાં યુથ કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ જ સ્પર્ધામાં તેમના પિતા અયુબખાન હમીદખાન ખોખરે ડબલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. આમ, એક જ પરિવારના ત્રણ સભ્યોએ કુલ ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સહિત પાંચ મેડલ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં ઝુવેરીયા અને ઝીશાનની માતા નાઝમીનબાનું ખોખર અને કાકા અલ્તાફખાન હમિદખાન ખોખરે પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત, ગત 1 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન દિલ્હી ખાતે યોજાયેલી 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં બહેન ઝુવેરીયા ખોખર ઓલ ઇન્ડિયામાં 11મા સ્થાને અને ભાઈ ઝીશાન ખોખર 16મા સ્થાને રહીને ક્વોલિફાઈ થયા હતા. આ પ્રદર્શનથી તેઓ રીનાઉન્ડ શૂટર બન્યા છે.
Read Original Article →