દસાડા-શંખેશ્વર હાઇવે પર દારૂ ભરેલી કાર ઝડપાઈ:રૂ. 4.02 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનનો આરોપી પકડાયો

Gujarat4/6/2026, 2:29:31 PM
દસાડા-શંખેશ્વર હાઇવે પર દારૂ ભરેલી કાર ઝડપાઈ:રૂ. 4.02 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનનો આરોપી પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-શંખેશ્વર હાઇવે રોડ પરથી દસાડા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 4,02,200નો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે રેન્જ વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ખાસ એક્શન પ્લાન હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીએ જિલ્લામાંથી પ્રોહીબિશનની બદી નાબૂદ કરવા માટે ટીમો બનાવી હતી. આ અંતર્ગત, પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એન.કે. પટેલના માર્ગદર્શન હેઠળ દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઇ. ખડીયા અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે, ગોપાલ હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ઉપરોક્ત ગાડી ત્યાંથી પસાર થતાં તેને રોકવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી 750 એમ.એલ.ની કાચની સીલબંધ બોટલો નંગ-162 મળી આવી હતી, જેની કિંમત રૂ. 97,200 આંકવામાં આવી છે. પોલીસે રૂ. 3,00,000ની કિંમતની ગાડી અને રૂ. 5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે વનારામ અજમલરામ જાટ (ઉં.વ. 25, ધંધો-ડ્રાઇવિંગ, રહે. મોતિયોનિયો કા તલા, સાજટા, તા.જી. બાડમેર, રાજસ્થાન) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આઇ. ખડીયા આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે. રેડિંગ પાર્ટીમાં પો.હેડ કોન્સ. વિજયસિંહ મહેન્દ્રસિંહ નકુમ, પો.કોન્સ. કમલેશ પોપટ વાઘેલા અને પો.કોન્સ. મુન્ના સામંત ગળીયાનો સમાવેશ થાય છે.
Read Original Article →