રોગચાળાની દહેશત:વઢવાણ-કોઠારીયા રોડ પર વહેતું દૂષિત પાણી, લોકોને હાલાકી
વઢવાણથી કોઠારીયા રોડ પર આવેલી જાણીતી બાપા સીતારામની મઢુલીથી સીએનજી પેટ્રોલ પંપ તરફ જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણીના ભરાવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે. સીએનજી પેટ્રોલ પંપની બિલકુલ સામે જ સતત વહી રહેલા દૂષિત પાણીને કારણે સ્થાનિક કેબીનધારકો, રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ માર્ગ પર ચોતરફ ફેલાયેલી ગંદકીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. આ ઉપરાંત, મચ્છરો અને અન્ય જીવજંતુઓનો ત્રાસ અતિશય વધી જતાં સ્થાનિક રહેવાસીઓમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જીવલેણ રોગચાળો ફાટી નિકળવાનો ભય સતાવી રહ્યો છે. વાહનો પસાર થતી વખતે ગંદુ પાણી ઉડવાના કારણે રોજ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાય છે. આ દૂષિત પાણી આખરે ક્યાંથી આવી રહ્યું છે અને ગટર લાઇન લીકેજ છે કે અન્ય કોઈ કારણ, તેની તટસ્થ તપાસ થવી જરૂરી બની છે. સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા આ બાબતે વહીવટી તંત્ર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી કાયમી ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
Read Original Article →