ચૂડાના કલાકારોનું મુંબઈમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શન:પેન્ટિંગ્સ વેચાણની 68% રકમ દર્દીઓની સર્જરીમાં વપરાશે

Gujarat5/23/2026, 5:08:39 AM
ચૂડાના કલાકારોનું મુંબઈમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શન:પેન્ટિંગ્સ વેચાણની 68% રકમ દર્દીઓની સર્જરીમાં વપરાશે
મુંબઈના 'બિલિયોનેર્સ ફોર પીસ કોન્કલેવ' અંતર્ગત આયોજિત વિશેષ સખાવતી આર્ટ એક્ઝિબિશનમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ત્રણ કલાકારોએ પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે. આ પ્રદર્શનમાં વેચાતી પેન્ટિંગ્સમાંથી 68 ટકા રકમ જરૂરિયાતમંદ દર્દીઓની સર્જરી માટે ઉપયોગમાં લેવાશે. તા. 21મી મેથી મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ચૂડા તાલુકાના વનાળા ગામના તીર્થરાજસિંહ ઝાલા, ડૉ. દર્શનાબા ઝાલા અને ચચાણા ગામના દિગ્વિજયસિંહ રાણાની કૃતિઓને સ્થાન મળ્યું છે. આ કલાકારોએ આંતરરાષ્ટ્રીય સ્તરના આ પ્રતિષ્ઠિત મંચ પર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. 'આર્ટ ફોર લાઇવ્સ' થીમ હેઠળ યોજાયેલી આ પ્રદર્શનીમાં ત્રણેય કલાકારોએ મળીને પોતાની 6 કિંમતી પેન્ટિંગ્સ સંસ્થાને અર્પણ કરી છે. આ પેન્ટિંગ્સના વેચાણથી મળનારી કુલ આવકમાંથી 68 ટકા રકમ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની મોંઘી સારવાર અને સર્જરી માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ પ્રદર્શનીનું ક્યુરેશન આર્યુરા સ્પેસિઝની પ્રાચી કપૂર દ્વારા કરવામાં આવ્યું છે. પ્રદર્શિત થયેલી કૃતિઓમાં વિવિધ ભાવનાઓ, આધ્યાત્મિકતા અને માનસિક સ્થિતિઓનું અનોખું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ડૉ. દર્શનાબા ઝાલાની 'મધર એન્ડ ચાઈલ્ડ' કૃતિ માતા અને નવજાત શિશુ વચ્ચેના લાગણીસભર સંબંધને જીવંત રંગો દ્વારા અભિવ્યક્ત કરે છે. મેડિકલ ક્ષેત્રે માતૃત્વ સંભાળનો વિશાળ અનુભવ ધરાવતા ડૉ. દર્શનાબા પ્રથમ વખત જાહેર આર્ટ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. જ્યારે તીર્થરાજસિંહ ઝાલાની કૃતિઓ ભારતીય પૌરાણિકતા, બ્રહ્માંડના પ્રતીકો અને મંદિર સ્થાપત્યની આધ્યાત્મિક ઊર્જાને દર્શાવે છે. દિગ્વિજયસિંહ રાણાની આકૃતિ આધારિત કૃતિઓ માનસિક સંઘર્ષ, આત્મમંથન અને માનવ મનની ગહન લાગણીઓને શક્તિશાળી રીતે રજૂ કરે છે. ક્યુરેટર પ્રાચી કપૂરે જણાવ્યું હતું કે, "આ પ્રદર્શની માત્ર કળાનું પ્રદર્શન નથી, પરંતુ કળા જ્યારે માનવતા અને સારવાર સાથે જોડાય છે, ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ કલાકારોએ સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે." આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી, અભિનેતા સોનુ સુદ, ગાયક સોનુ નિગમ, ક્રિકેટર હરભજન સિંહ, તેમજ ઉદ્યોગપતિ સવજી ધોળકિયા, મોતીલાલ ઓસવાલ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
Read Original Article →