રેશમિયા તળાવમાં માછલીઓ તડપી રહી, નાયબ કલેક્ટરે લીધો નિર્ણય:પાણી સુકાતા ચોટીલા SDMએ તાત્કાલિક ટેન્કર મોકલવાની સૂચના આપી
ચોટીલાના રેશમિયા તળાવમાં પાણી સુકાઈ જતાં માછલીઓ ગરમી અને ઓક્સિજનના અભાવે તડપી રહી હતી. આ અંગેની જાણ થતાં ચોટીલાના નાયબ કલેક્ટર (SDM) એચ. ટી. મકવાણાએ તાત્કાલિક પાણીનું ટેન્કર મોકલવાની સૂચના આપી હતી, જેનાથી અનેક જળચર જીવોના જીવ બચાવવાનો પ્રયાસ કરાયો. રેશમિયા ગામના માલધારી હરજીભાઈએ જાણ કરી હતી કે, તળાવમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. 45થી 46 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં પાણી અને ઓક્સિજનના અભાવે કેટલીક માછલીઓના મૃત્યુ પણ થયા હતા. બે-ત્રણ દિવસ અગાઉ ગામના સરપંચ દ્વારા બે ટ્રેક્ટર ટેન્કર મારફતે તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું. જોકે, અસહ્ય ગરમીને કારણે તે પાણી ઝડપથી સુકાઈ જતાં ફરી કીચડ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માછલીઓનું જીવન જોખમમાં મુકાયું હતું. આ ગંભીર પરિસ્થિતિની જાણ રેશમિયા ગામના અગ્રણી શિવરાજભાઈ જેબલિયાએ ચોટીલાના SDM એચ. ટી. મકવાણાને કરી હતી. SDMએ ઘટનાની ગંભીરતા સમજી તરત જ પાણી પુરવઠા વિભાગના અધિકારીને સ્થળ પર મોકલ્યા અને માછલીઓના જીવ બચાવવા માટે તાત્કાલિક પાણીનું ટેન્કર મોકલવાનો આદેશ આપ્યો. શિવરાજભાઈ જેબલિયાએ જણાવ્યું હતું કે, આવા કર્તવ્યનિષ્ઠ અધિકારીઓની કામગીરીથી સામાન્ય જનતાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. તેમણે નાગરિકોને પર્યાવરણ અને જળચર જીવો પ્રત્યેની જવાબદારી યાદ અપાવતા જણાવ્યું કે, પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ જ સાચા અર્થમાં પર્યાવરણ દિવસની ઉજવણી છે.
Read Original Article →