ચોટીલા-રાજકોટ હાઈવે પર કાળમુખો અકસ્માત:ખાનગી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચેની ટક્કરમાં ભીષણ આગ, બસ આખી સળગી ગઈ, 4ના કરુણ મોત
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે આજે રક્તરંજિત બન્યો છે. સાંગાણી ગામ નજીક એક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતે ભારે ચકચાર મચાવી છે. આ ભયાનક દુર્ઘટનામાં 4 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હોવાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થયા છે. કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું ટાયર અચાનક ફાટતા ટેન્કર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ સમયે પાછળથી પૂરઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે શોર્ટ સર્કિટના કારણે બસમાં ગણતરીની મિનિટોમાં જ વિકરાળ આગ ફાટી નીકળી હતી. 4ના મોત, 10 ને સામાન્ય ઈજાઓ
આ અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે આગળની બસ સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને જોતજોતામાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે તેની પાછળ રહેલી અન્ય એક 'મધુરમ ટ્રાવેલ્સ'ની બસના આગળના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં કુલ 4 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય 10 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ
ઘટનાની જાણ થતા જ સ્થાનીય વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરની ટીમોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. હાઈવે પર અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
Read Original Article →