ચોટીલામાં ગેરકાયદેસર મુરમ ખનન કરતા વાહનો જપ્ત:તંત્રની ટીમે દુધેલી ગામમાં દરોડો પાડી મુરમ ખનન ઝડપી પાડ્યું, 90 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા ડુંગર પાછળના દુધેલી ગામમાં ગેરકાયદેસર મુરમ ખનન અને વહન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી કુલ રૂ. 90.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ તેમજ મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે દુધેલી ગામમાં આવેલા સરકારી સર્વે નંબર 242વાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી ગેરકાયદેસર તાસ (મુરમ)નું ખનન અને વહન થઈ રહ્યું હતું. કાર્યવાહી દરમિયાન એક હિટાચી મશીન અને એક ડમ્પર (20 મેટ્રિક ટન મુરમ સાથે) જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા આ તમામ વાહનો અને ખનીજને મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અલ્પેશ સાંમડ અને ગોવિંદ બી. સાંમડ (બંને રહે. ચોટીલા) દ્વારા કરવામાં આવતી હતી. વાહન માલિકો અને ખનન કરાવનારાઓ સામે ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગેરકાયદેસર ખોદવામાં આવેલા ખાડાની માપણી કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read Original Article →