ચોટીલામાં ખનિજ માફિયાઓ પર કાર્યવાહી:નાયબ કલેક્ટરે છટકું ગોઠવી ગેરકાયદે કોલસાનો કુવો ઝડપ્યો

Gujarat4/10/2026, 11:28:04 AM
ચોટીલામાં ખનિજ માફિયાઓ પર કાર્યવાહી:નાયબ કલેક્ટરે છટકું ગોઠવી ગેરકાયદે કોલસાનો કુવો ઝડપ્યો
ચોટીલામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ખનિજ માફિયાઓ પર કાર્યવાહી કરી છે. નગરપાલિકા ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાનો લાભ ઉઠાવી થાનગઢ તાલુકાના વેલાળા (સા) ગામમાં ગેરકાયદેસર કોલસાનો કુવો ચલાવવામાં આવી રહ્યો હતો, જેને છટકું ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે આ સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે 2:10 વાગ્યાના અરસામાં છટકું ગોઠવીને ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન કુલ 51.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં એક લોડર મશીન, એક ડમ્પર અને 40 મેટ્રિક ટન કોલસો શામેલ છે. આ તમામ મુદ્દામાલને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં અરવિંદભાઈ રમેશભાઈ સારદીયા (રહે. ખાખરાથળ, તા. થાનગઢ), મુકેશભાઈ રાયસંગભાઈ સારદીયા (રહે. ખાખરાથળ, તા. થાનગઢ) અને ઘુઘાભાઈ ખાંભલા (રહે. મોરસલ, તા. સાયલા) સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ “ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017” હેઠળ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, તડીપાર અને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સ્થાનિક સ્તરે બેદરકારી દાખવવા બદલ ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →