સુરેન્દ્રનગરમાં નવા ઇન્કમ ટેક્સ એક્ટ-2025 અંગે સેમિનાર:અમદાવાદના જોઈન્ટ કમિશનરે નવી જોગવાઈઓ સમજાવી, શંકાઓનું નિવારણ કર્યું
સુરેન્દ્રનગર ખાતે પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ-3, અમદાવાદ દ્વારા 'ઇન્કમ ટેક્સ એક્ટ-2025' અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઉટરીચ પ્રોગ્રામનો મુખ્ય હેતુ કરદાતાઓ અને સામાન્ય નાગરિકોને નવા આવકવેરા કાયદાની જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, અધિકારીઓએ ઇન્કમ ટેક્સ એક્ટ-2025ની વિગતવાર માહિતી રજૂ કરી હતી. તેમણે સમજાવ્યું કે કાયદાની નવી કલમો સામાન્ય કરદાતાઓને કેવી રીતે લાભદાયી બનશે અને ટેક્સ પ્રક્રિયા કેવી રીતે વધુ પારદર્શક બનશે. આ સેમિનારમાં અમદાવાદ રેન્જ-4(1)ના જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ પ્રતીક શર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં નવી જોગવાઈઓ અંગે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રશ્નોત્તરી સેશન દરમિયાન, શ્રી શર્માએ ઉપસ્થિત સભ્યો અને વેપારીઓના વિવિધ પ્રશ્નો તેમજ શંકાઓનું સચોટ અને સંતોષકારક નિવારણ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના સ્થાનિક આવકવેરા અધિકારી શ્રી નિપુલ ડી. પૂજારા, કર સહાયક શ્રી અજયભાઈ પરમાર, વોર્ડ -1, સુરેન્દ્રનગર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં સુરેન્દ્રનગર સીએ એસોસિએશન, આઈટીપી એસોસિએશન, સ્થાનિક વેપારી મંડળો અને પ્રબુદ્ધ નાગરિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read Original Article →