તંત્રની કામગીરી સામે સવાલ:લખતર PGVCL કચેરીથી માત્ર 100 મીટર દૂર વીજ પોલ પર વેલનું સામ્રાજ્ય

Gujarat5/26/2026, 12:00:00 AM
તંત્રની કામગીરી સામે સવાલ:લખતર PGVCL કચેરીથી માત્ર 100 મીટર દૂર વીજ પોલ પર વેલનું સામ્રાજ્ય
લખતર શહેરમાં ચોમાસા પૂર્વે વીજ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવતી હોવાના દાવાઓ વચ્ચે હકીકત કંઈક જુદી જ સામે આવી રહી છે. લખતર પીજીવીસીએલ કચેરીથી અંદાજે માત્ર 100 મીટર દૂર આવેલા વીજ પોલ પર વેલ અને ઝાડીઓનું સામ્રાજ્ય જોવા મળતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. દર વર્ષે ચોમાસા પહેલા વીજ લાઈનો, પોલ અને ટ્રાન્સફોર્મર આસપાસ ઊગી નીકળેલી ઝાડીઓ તથા વેલો દૂર કરવાની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ શહેરના મુખ્ય વિસ્તારમાં જ આવી સ્થિતિ જોવા મળતા પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર જ સીમિત રહી હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ચોમાસાની શરૂઆત થતા જ લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો બનતા રહે છે. હળવા પવન અને વરસાદમાં પણ વીજળી ગુલ થવી સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે વીજ લાઈન સાથે ચોંટેલી વેલો અને ઝાડીઓ ભવિષ્યમાં મોટી સમસ્યા ઉભી કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને પીજીવીસીએલ કચેરીની નજીક જ આવી બેદરકારી સામે આવતા લોકોમાં આશ્ચર્ય સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે. જો કચેરી નજીકની જ સ્થિતિ આવી હોય તો અંતરિયાળ વિસ્તારોમાં પ્રિ-મોન્સુન કામગીરી કેટલી અસરકારક થઈ હશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ચોમાસું શરૂ થાય તે પહેલા તાત્કાલિક વીજ પોલ અને લાઈનો ઉપરથી વેલો તથા ઝાડીઓ દૂર કરી યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Read Original Article →