બર્નિંગ બસના રૂંવાટા ઉભા કરી દેતા દ્રશ્યો, 4 જીવતા સળગ્યા:DNA સિવાય ઓળખ મુશ્કેલ, નેશનલ હાઈવે પર ચીસાચીસ, ટેન્કર સાથે અથડાતાં અકસ્માત, 10 લોકો ઘાયલ

Gujarat5/14/2026, 12:48:57 AM
બર્નિંગ બસના રૂંવાટા ઉભા કરી દેતા દ્રશ્યો, 4 જીવતા સળગ્યા:DNA સિવાય ઓળખ મુશ્કેલ, નેશનલ હાઈવે પર ચીસાચીસ, ટેન્કર સાથે અથડાતાં અકસ્માત, 10 લોકો ઘાયલ
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે આશરે 2:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ હતી અને પાછળથી પૂરઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. શોર્ટ સર્કિટથી ટ્રાવેલ્સમાં લાગી આગ ટેન્કરનું ટાયર ફૂટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ ટેન્કર સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ હતી. ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 4ના મોત, 10 ઇજાગ્રસ્ત આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. લીંબડીના રહેવાસી નરેન્દ્રભાઈનો હાથ સળગી જવાથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →