ચોટીલા-રાજકોટ હાઈવે પર 5 કિમી લાંબો ટ્રાફિક જામ:બે બ્રિજના એકસાથે રીપેરીંગથી વાહનચાલકોને ભારે હાલાકી

Gujarat5/21/2026, 4:07:18 PM
ચોટીલા-રાજકોટ હાઈવે પર 5 કિમી લાંબો ટ્રાફિક જામ:બે બ્રિજના એકસાથે રીપેરીંગથી વાહનચાલકોને ભારે હાલાકી
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બે બ્રિજના એકસાથે રીપેરીંગ કામ શરૂ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાણપાના બોર્ડ પાસેના બ્રિજ અને જાની વડલા બ્રિજ પર એકસાથે કામગીરી શરૂ થવાથી 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા કોઈ યોગ્ય ટ્રાફિક પ્લાનિંગ કે વૈકલ્પિક ડાયવર્ઝન રોડની વ્યવસ્થા કર્યા વગર આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે હાઈવેનો મોટો ભાગ વન-વે જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ. કલાકો સુધી વાહનો અટવાઈ જતાં મુસાફરો, ખાનગી વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં રોષ જોવા મળ્યો હતો. ગરમી વચ્ચે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો કલાકો સુધી વાહનોમાં ફસાયા હતા. ઘણા મુસાફરોને પીવાના પાણી અને ખાવા-પીવાની પણ તકલીફ પડી હતી. ટ્રાફિક જામનો ગંભીર પ્રભાવ ઇમરજન્સી સેવાઓ પર પણ જોવા મળ્યો. દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહી હતી, જેના કારણે દર્દીઓના જીવને જોખમ ઊભું થયું હોવાની ચર્ચા હતી. રાજ્યમાં ડીઝલની તંગી વચ્ચે કલાકો સુધી વાહનો ચાલુ-બંધ રાખવાની ફરજ પડતાં હજારો લિટર ઈંધણનો બગાડ થયો હોવાનું વાહનચાલકોએ જણાવ્યું હતું. દૂધ, શાકભાજી અને દવાઓ લઈને જતા સપ્લાય વાહનો પણ ટ્રાફિકમાં અટવાઈ જતા માલ બગડવાની ભીતિ ઊભી થઈ હતી. વાહનચાલકો અને સ્થાનિક લોકોએ માંગ કરી છે કે બંને બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને યોગ્ય ડાયવર્ઝન વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે. આ ઘટનાએ હાઈવે ઓથોરિટીના આયોજન અને કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
Read Original Article →