ચૌટાના વેપારી સાથે મહિલાએ ઠગાઇ કરી:ઉમરા પોલીસમાં નોકરી કરતી હોવાનું કહી 60 હજાર પડાવ્યા
ઉમરા પોલીસમાં કામ કરતી હોવાનું કહીને ચૌટા બજારના વેપારીને તેના ફસાયેલા રૂ.21 લાખ કઢાવી આપવાના બહાને રુ.60 હજાર પડાવી લઇને છેતરપિંડી કરનાર મહિલા સામે અઠવાલાઇન્સ પોલીસમાં ગુનો નોંધાયો છે. રાંદેરના વિનોદ વતીયાણા ચૌટાબજારમાં લેડીઝ વેરનો ધંધો કરે છે. તા.8-1-2026ના રોજ તેની દુકાન પર રિઝવાના ઝાકીર જરીવાલા નામની મહિલાએ રૂ.900ના કપડા ખરીદ્યા બાદ પોતાની ઓળખ ઉમરા પોલીસમાં કામ કરતી હોવાની આપી હતી . જેથી વિનોદે પોતાના મિત્ર યશ મખીજા પાસે 21 લાખ લેવાના હોય તે કઢાવી આપવા કહ્યું હતું. જ્યારે રિઝવાનાએ વકીલ 10 ટકા ફી લેશે હું રુ.1.50 લાખમાં રુપિયા કઢાવી આપીશ એમ કહ્યું હતું. અને એડવાન્સ પેટે 60 હજાર લીધા હતા. બે દિવસ બાદ તેણી ફરી દુકાન પર આવી બીજા રૂ.20 હજાર માંગ્યા હતા. વેપારીએ ઇન્કાર કરતા તેણીએ જીદ પકડી હતી. જેથી વિનોદે પોતાના ભાઇ વિજયને બોલાવ્યો હતો. વિજયે પોલીસ મથકે જઇને રુપિયા આપવાનું કહેતા તે જતી રહી હતી. જ્યારે તેમણે ઉમરા પોલીસમાં તપાસ કરતા રિઝવાના નામની કોઇ મહિલા કામ કરતી ન હોવાનું જાણવા મળ્યું હતું. વિનોદ વતીયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. ‘સરકારી વકીલ અને જજને આપવાના છે’
રિઝવાના દુકાન પર પહોંચી જઇને વેપારી પાસેથી વધુ રૂ.20 હજારની માંગણી કરી હતી. મારે કોર્ટમાં સરકારી વકીલ અને જજને રુપિયા આપવાના છે એમ કહીને ઝઘડો કરવા લાગી હતી.
Read Original Article →