ભાસ્કરના અહેવાલ બાદ મ્યુ. મિશનરે 105 કર્મીની ફોજ ઉતારી:વોર્ડ-29ની મુલાકાત લઈ ગંદકી દુર કરવા આદેશ કર્યો; 7 લોકોને નોટિસ આપી ₹11,500નો દંડ વસૂલ્યો

Gujarat4/7/2026, 10:22:58 AM
ભાસ્કરના અહેવાલ બાદ મ્યુ. મિશનરે 105 કર્મીની ફોજ ઉતારી:વોર્ડ-29ની મુલાકાત લઈ ગંદકી દુર કરવા આદેશ કર્યો; 7 લોકોને નોટિસ આપી ₹11,500નો દંડ વસૂલ્યો
'દિવ્ય ભાસ્કર' દ્વારા 6 એપ્રિલના રોજ વોર્ડ નંબર 29 (અલ્થાન, બમરોલી અને વડોદ)માં આવતા વડોદ આવાસમાં વ્યાપેલી અસહ્ય ગંદકી અને ડ્રેનેજની ગંભીર સમસ્યાનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તંત્ર જે કામ મહિનાઓથી ટાળી રહ્યું હતું, તે અહેવાલના 24 કલાકમાં જ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે 7 એપ્રિલે વહેલી સવારથી જ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે મેદાને ઉતર્યા હતા. અહીં વહેલી સવારે સફાઈ કામગીરી ચાલી રહી હતી, ત્યારે કમિશનર એમ નાગરાજન દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરી હતી અને તે સફાઈ કરતા કર્મચારીઓને પણ ખબર ન હતી. કમિશનર દ્વારા આ વિસ્તારનું જાતે નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. એનજીઓની ટીમે પણ માઇક દ્વારા લોકોને કચરો કચરા ગાડીમાં નાખવા અને ગંદકી ન કરવા સમજાવ્યા હતાં. ચોકઅપ થયેલી ગટરોની જેટીંગ મશીન દ્વારા સફાઈ વડોદ આવાસમાં ફેલાયેલા ગંદકીના સામ્રાજ્યને સાફ કરવા ખાસ 4 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 105 સફાઈ કર્મચારીઓનો સમાવેશ કરાયો હતો. ચોકઅપ થયેલી ગટરોને જેટીંગ મશીન દ્વારા સાફ કરવામાં આવી હતી, જેથી ગંદુ પાણી રસ્તા પર વહેતું બંધ થાય. આ સફાઈ ઝુંબેશ દરમિયાન ગંદકી ફેલાવતા 11 લોકો પાસેથી ₹11,500નો દંડ વસૂલવામાં આવ્યો છે અને સાત લોકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે. અમે આજે 3 આવાસ કવર કરવાના છીએઃ ડો. કિંજલ પટેલ ઉધના ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. કિંજલ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે. કમિશનર સરની જે ઇન્સ્ટ્રક્શન છે તે પ્રમાણે અમે સફાઈ કરી રહ્યાં છીએ. ઓલમોસ્ટ 105 સફાઈ કામદારોની ચાર ટીમ બનાવીને ત્રણ આવાસો અમે આજે કવર કરવાના છીએ. આવાસમાં રહેતા લોકોની પણ જવાબદારી બને છે કે મેન્ટેનન્સ અને સફાઈ રાખે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, ગાડીઓ આવે છે, પણ કચરો નાખવામાં લોકોના આવતા નથી. બધા નોકરિયાત વર્ગ છે અને કચરા ગાડીનો સમય અનુકુળ ન લાગતા બહાર નાખી દે છે અને એને લીધે ગંદકીનો પ્રોબ્લેમ રહે છે. ‘લોકોને કચરો ગાડીમાં જ નાખવા અપીલ’ આ જે ડાઉનટ્રેક પાઈપ છે એ બધા તૂટી ગઈ છે, જેને રિપેર કરવા માટે નોટિસો આપી છે. જનતાને ખાસ એટલી અપીલ છે કે કોર્પોરેશનનું જે કામ છે એમાં સપોર્ટ કરે. કચરાની ગાડી આવે છે તો કચરાનો નિકાલ કચરાની ગાડીમાં જ થાય. સમયનો ફેર પડતો હોય તો તમારો કચરો તમારી પાસે એક દિવસ રાખી શકો છો અને બીજા દિવસે ગાડીમાં જ નાખી શકો છો, પણ બહાર નાખવો નહીં. આપણે સુરતને સ્વચ્છ અને સુંદર રાખીએ તેવી પબ્લિકને અમારી અપીલ છે. આ પણ વાંચો... વડોદમાં 5000 લોકો કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર:નંદઘર અને ક્લિનિક પાસે ડ્રેનેજની ગંદકી કેટલાક લોકો ઉપરથી કચરો ફેંકતા હોવાની પણ ફરિયાદ સફાઈ કામગીરી દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા કેટલાક અંશે ગંદકી પાછળના કેટલાક સ્થાનિક લોકો જ હોવાનું બહાર આવ્યું હતું. અહીં ચાર માળના બિલ્ડિંગો આવેલા છે. રહીશોના જણાવ્યા અનુસાર, બીજા, ત્રીજા અને ચોથા માળના રહીશો આળસને કારણે સીધો જ કચરો ગેલેરી કે બારીમાંથી નીચે ફેંકે છે, જેના કારણે નીચે રહેતા લોકો અને પસાર થતા રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાય છે. કચરા પેટીની પણ ચોરી મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા ગાડી સવારે નિશ્ચિત સમયે આવે છે, પરંતુ અનેક લોકો એ સમયે જાગતા નથી અથવા ગાડી પાસે જવાની તસ્દી લેતા નથી. પરિણામે, જ્યારે ગાડી જતી રહે છે, ત્યારે તેઓ રસ્તા પર કે ખુલ્લા પ્લોટમાં કચરો ફેંકી દે છે. કચરા ગાડીનો સમય સેટ ન થતો હોવાની ફરિયાદો બાદ તંત્રએ મોટા ડ્રમ મૂક્યા હતા, પરંતુ અસામાજિક તત્વો એ ડ્રમને પણ ચોરી ગયા છે.
Read Original Article →