VNSGUમાં યોગ થેરાપીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર:કુલગુરુના હસ્તે 70 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અપાયા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના ડિપાર્ટમેન્ટ ઓફ કન્ટિન્યુઇંગ એજ્યુકેશન એન્ડ એક્સટેન્શન વર્ક (DCEEW) દ્વારા સંચાલિત એક વર્ષીય “ડિપ્લોમા ઇન યોગ થેરાપી” અને વિવિધ શોર્ટ ટર્મ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ માટે પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે 18થી 70 વર્ષની વયજૂથના કુલ 70 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કુલગુરુના હસ્તે સર્ટિફિકેટ અને માર્કશીટ એનાયત કરવામાં આવ્યા હતા. સમારોહ દરમિયાન કુલગુરુએ વિદ્યાર્થીઓને યોગ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,"આજના વ્યસ્ત જીવનમાં યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરોગ્ય માટે અત્યંત આવશ્યક છે." કુલગુરુએ વિદ્યાર્થીઓને સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા, યોગ શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરવા અને વધુ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે “યોગી રહે સદા નિરોગી”ના સૂત્રને જીવનમાં આત્મસાત કરીને સમાજમાં આરોગ્યપ્રદ જીવનશૈલીના સંદેશવાહક બનવાની અપીલ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર પ્રાપ્ત કરી આનંદ વ્યક્ત કર્યો હતો અને યોગ દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. DCEEW વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને ઉત્સાહવર્ધક સાબિત થયો.
Read Original Article →