PM મોદીની અપીલ બાદ VNSGUનો 7 મહત્વના મુદ્દે પરિપત્ર:યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ ગાડીને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા કુલસચિવનો અનુરોધ

Gujarat5/12/2026, 3:49:17 PM
PM મોદીની અપીલ બાદ VNSGUનો 7 મહત્વના મુદ્દે પરિપત્ર:યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ ગાડીને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા કુલસચિવનો અનુરોધ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વડાપ્રધાનની "રાષ્ટ્ર પ્રથમ, સુવિધા કરતાં કર્તવ્ય મહાન" ની અપીલને લઈને એક સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક ભવનો, વહીવટી કર્મચારીઓ અને સંલગ્ન કોલેજોના આચાર્યોને 7 મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના અપાઈ છે. આ નિર્ણયનો હેતુ દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાનો અને વિદેશી હૂંડિયામણની બચત કરવાનો જણાવવામાં આવ્યો છે. ખાનગી વાહનોનો વપરાશ ઘટાડવા અને ઈંધણ બચત પર ભાર પરિપત્ર મુજબ, આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પર્સનલ વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અનુરોધ કરાયો છે. તેના બદલે જાહેર પરિવહન , કાર-પૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના મહત્તમ ઉપયોગની હિમાયત કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી પરિવહન ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો થશે. વહીવટી કામકાજ માટે વર્ચ્યુઅલ મિટિંગ્સને પ્રાધાન્ય સમય અને સંસાધનોની બચત માટે યુનિવર્સિટીએ વહીવટી અને સંશોધન પરામર્શમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા આદેશ આપ્યો છે. જ્યાં પણ શક્ય હોય ત્યાં રૂબરૂ મીટિંગ કરવાના બદલે ઓનલાઈન અથવા વર્ચ્યુઅલ મિટિંગ્સ યોજવા માટે આગ્રહ રાખવામાં આવ્યો છે. આ પગલાથી વહીવટી પ્રક્રિયાઓમાં ઝડપ આવશે અને મુસાફરીનો સમય બચશે. કેમ્પસ અને રોજિંદા જીવનમાં 'વોકલ ફોર લોકલ'નો અમલ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે "વોકલ ફોર લોકલ" ના મંત્રને આત્મસાત કરવાની વાત પરિપત્રમાં કહેવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ કેમ્પસમાં તેમજ વ્યક્તિગત જીવનમાં વિદેશી ચીજવસ્તુઓના સ્થાને સ્થાનિક બનાવટની વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવું પડશે. આનાથી સ્થાનિક અર્થતંત્રને ટેકો મળશે. સજીવ ખેતી માટે NSS અને NCC ના યુવાનો જાગૃતિ ફેલાવશે યુનિવર્સિટીએ ખેતી અને પર્યાવરણના મુદ્દાઓને પણ આ અભિયાનમાં સાંકળ્યા છે. ખાસ કરીને ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ અને NSS/NCCના કેડેટ્સ ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરવા સમજાવશે. ખેતીમાં સજીવ ખેતીનો વ્યાપ વધે તે માટે યુવાનો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. કર્તવ્યના પાલન સાથે રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી થવા અપીલ કુલસચિવ દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે આ તમામ મુદ્દાઓનો સ્વૈચ્છિક અમલ કરવાનો રહેશે. યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યો આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાઈને અન્ય સંસ્થાઓ માટે ઉદાહરણ પૂરું પાડે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણ સંસ્થાઓની ભૂમિકા મહત્વની હોવાથી આ નિર્ણય લેવાયો છે.
Read Original Article →