VNSGU માં BSW કોર્સ માટે પ્રવેશ શરૂ:સમાજ પરિવર્તન માટે વ્યાવસાયિકો તૈયાર કરાશે
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા બેચલર ઑફ સોશિયલ વર્ક (BSW) કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. GCAS પોર્ટલ દ્વારા આ પ્રોફેશનલ કોર્સ માટેની વિગતો જાહેર કરાઈ છે. યુનિવર્સિટીનો ઉદ્દેશ્ય સામાજિક જવાબદારી અને વ્યાવસાયિક કૌશલ્ય ધરાવતા યુવાનોને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તૈયાર કરવાનો છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાએ જણાવ્યું હતું કે BSW માત્ર સેવાભાવનો અભ્યાસક્રમ નથી, પરંતુ એક વ્યાવસાયિક ડિગ્રી છે. VNSGU વિદ્યાર્થીઓને વંચિત સમુદાયોની સમસ્યાઓ સમજવા અને સરકારી યોજનાઓ તેમજ NGO દ્વારા સમાજમાં પરિવર્તન લાવવા માટે તાલીમ આપશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્તમાન સમયમાં પ્રોફેશનલ સોશિયલ વર્કર્સની જરૂરિયાત સતત વધી રહી છે. BSW કોર્સની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક જ્ઞાનની સાથે પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવશે. અઠવાડિયામાં બે દિવસ વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓ, ગ્રામીણ વિસ્તારો અને ઝૂંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લઈને વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરશે. અભ્યાસક્રમમાં સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને કાયદાકીય જોગવાઈઓ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોમ્યુનિકેશન સ્કિલ્સ, કાઉન્સેલિંગ અને લીડરશિપ જેવા કૌશલ્યો વિકસાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, BSW પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય NGOમાં સોશિયલ વર્કર અથવા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે કારકિર્દીની તકો મળશે. મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સહિતના સરકારી ક્ષેત્રોમાં પણ રોજગારીની સારી તકો ઉપલબ્ધ થશે. મોટી કંપનીઓના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) વિભાગોમાં પણ પ્રોફેશનલ સોશિયલ વર્કર્સની માંગ વધી રહી છે. નવી શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ૪ વર્ષના BSW ઓનર્સ કોર્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માસ્ટર્સ કર્યા વિના સીધા જ Ph.D.માં પ્રવેશ મેળવી શકશે. કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૨ કોઈપણ પ્રવાહમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ BSW કોર્સમાં પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરીને યુનિવર્સિટી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને કોર્સ તરીકે BSW પસંદ કરવાનો રહેશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને VNSGUની સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે તપાસતા રહેવા વિનંતી કરવામાં આવી છે.
Read Original Article →