VNSGU માં BRS કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ:ગ્રામીણ વ્યવસ્થાપન અને કૃષિ વિકાસ માટે યુવાનોને સક્ષમ બનાવાશે

Gujarat5/20/2026, 8:30:42 AM
VNSGU માં BRS કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ:ગ્રામીણ વ્યવસ્થાપન અને કૃષિ વિકાસ માટે યુવાનોને સક્ષમ બનાવાશે
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના આઠમા દિવસે B.R.S. (બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ) કોર્સની પ્રવેશ વિગતો જાહેર કરવામાં આવી છે. આ કોર્સ ગ્રામીણ વિકાસ, કૃષિ અને આત્મનિર્ભર ગામડાંઓના નિર્માણ માટે યુવાનોને સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાએ જણાવ્યું હતું કે ભારતનો સાચો આત્મા ગામડાઓમાં વસે છે. B.R.S. કોર્સનો હેતુ એવા યુવા પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે, જે આધુનિક ટેકનોલોજી અને ગ્રામીણ સંસાધનોના સંકલન દ્વારા ગામડાઓના સર્વાંગી વિકાસમાં યોગદાન આપી શકે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ગ્રામીણ અર્થતંત્ર, પશુપાલન, કૃષિ વ્યવસ્થાપન અને ટકાઉ ખેતી જેવા વિષયોમાં નિષ્ણાત બનાવશે. યુનિવર્સિટીએ B.R.S. કોર્સ માટે પ્રવેશ લાયકાતને વ્યાપક બનાવી છે. ધોરણ-૧૨ કોઈપણ પ્રવાહમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે પાત્ર ગણાશે. આ ઉપરાંત, માન્ય ડિપ્લોમા અથવા ITI (NCVT/GCVT) સાથે સમકક્ષતા પ્રમાણપત્ર ધરાવતા વિદ્યાર્થીઓ પણ આ કોર્સમાં પ્રવેશ મેળવી શકશે. આ કોર્સની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને વર્ગખંડના અભ્યાસ સાથે ખેતીવાડી, પશુપાલન અને ગ્રામીણ ઉદ્યોગોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. સાથે જ, ગ્રામીણ વિસ્તરણ, કૃષિ વિજ્ઞાન, પંચાયતી રાજ અને ગ્રામીણ અર્થશાસ્ત્ર જેવા બહુઆયામી વિષયોનું જ્ઞાન પણ પ્રદાન કરાશે. કોર્સનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને વહીવટી ક્ષમતાનો વિકાસ કરવાનો પણ છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, B.R.S. પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પંચાયત વિભાગ, ગ્રામ વિકાસ એજન્સીઓ, સહકારી ક્ષેત્ર, ગ્રામીણ અને સહકારી બેન્કો તેમજ NGO ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકશે. આ ઉપરાંત, ઓર્ગેનિક ખેતી, ડેરી ઉદ્યોગ અને એગ્રી-બિઝનેસ જેવા ક્ષેત્રોમાં સ્વરોજગારીની તકો પણ ઉપલબ્ધ બનશે. લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ gcas.gujgov.edu.in પર રજીસ્ટ્રેશન કરી યુનિવર્સિટી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને કોર્સ તરીકે B.R.S. પસંદ કરવાનો રહેશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓને vnsgu.ac.in વેબસાઇટ સતત તપાસતા રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Original Article →