VNSGU માં ફાઈન આર્ટસ, ઇન્ટીરિયર ડિઝાઇન કોર્સમાં પ્રવેશ શરૂ:સર્જનાત્મક યુવાનો માટે કારકિર્દીની નવી તકો

Gujarat5/20/2026, 8:25:13 AM
VNSGU માં ફાઈન આર્ટસ, ઇન્ટીરિયર ડિઝાઇન કોર્સમાં પ્રવેશ શરૂ:સર્જનાત્મક યુવાનો માટે કારકિર્દીની નવી તકો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કલા અને ડિઝાઇનિંગ ક્ષેત્રના લોકપ્રિય પ્રોફેશનલ અભ્યાસક્રમો બેચલર ઑફ ફાઇન આર્ટ્સ (BFA) અને બેચલર ઑફ ઇન્ટિરિયર ડિઝાઇન (BID) માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ દ્વારા ચાલી રહી છે. યુનિવર્સિટીએ આશા વ્યક્ત કરી છે કે આ અભ્યાસક્રમો સર્જનાત્મકતા અને કૌશલ્યને કારકિર્દી સાથે જોડીને યુવાનો માટે વૈશ્વિક તકોના નવા દ્વાર ખોલશે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં માત્ર ડિગ્રી નહીં, પરંતુ કૌશલ્યનું મહત્ત્વ વધી રહ્યું છે. VNSGU એવા કલાકારો અને ડિઝાઇનર્સ તૈયાર કરવા પ્રતિબદ્ધ છે, જે પોતાની કલ્પનાશક્તિ દ્વારા આધુનિક વિશ્વમાં નવીનતા લાવી શકે. તેમણે ઉમેર્યું કે ફાઇન આર્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇન જેવા ક્ષેત્રોમાં રોજગારી ઉપરાંત સ્વ-રોજગારીની પણ વિશાળ તકો ઉપલબ્ધ છે. યુનિવર્સિટીએ બંને કોર્સ માટે લાયકાતનું માળખું સરળ અને વ્યાપક રાખ્યું છે. ધોરણ-૧૨ કોઈપણ પ્રવાહમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત, માન્ય ડિપ્લોમા અથવા ITI (NCVT/GCVT) સાથે સમકક્ષતા પ્રમાણપત્ર ધરાવતા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે પાત્ર ગણાશે. બેચલર ઑફ ફાઇન આર્ટ્સ (BFA) અભ્યાસક્રમમાં પેઇન્ટિંગ, મૂર્તિકળા, એપ્લાઇડ આર્ટ અને ફોટોગ્રાફી જેવા વિષયોનું વ્યાવસાયિક તાલીમ સાથે શિક્ષણ આપવામાં આવશે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ આર્ટ ગેલેરી, એડવર્ટાઇઝિંગ એજન્સી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવી શકશે. જ્યારે બેચલર ઑફ ઇન્ટિરિયર ડિઝાઇન (BID) અભ્યાસક્રમમાં રહેણાંક અને વ્યાવસાયિક જગ્યાઓને આધુનિક તથા ઉપયોગી બનાવવાના ટેકનિકલ અને કલાત્મક પાસાઓનું માર્ગદર્શન આપવામાં આવશે. સ્પેસ પ્લાનિંગ, ફર્નિચર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચરલ ડ્રોઈંગ જેવા આધુનિક સોફ્ટવેરનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, BFA પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પ્રોફેશનલ આર્ટિસ્ટ, ગ્રાફિક ડિઝાઇનર, આર્ટ ટીચર, એનિમેટર અને ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે કારકિર્દી બનાવી શકશે. જ્યારે BID પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઇન્ટિરિયર ડિઝાઇનર, ફર્નિચર ડિઝાઇનર, લાઇટિંગ કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરી શકશે અથવા પોતાનો સ્ટુડિયો શરૂ કરીને સ્વતંત્ર વ્યવસાય પણ કરી શકશે. લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ gcas.gujgov.edu.in પર રજીસ્ટ્રેશન કરી યુનિવર્સિટી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પસંદ કરી BFA અથવા BID કોર્સ માટે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓએ vnsgu.ac.in વેબસાઇટ સતત ચેક કરતા રહેવા યુનિવર્સિટીએ અનુરોધ કર્યો છે.
Read Original Article →