VNSGUમાં B.A. કોર્સમાં પ્રવેશ શરૂ:NEP-2020 અંતર્ગત કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ

Gujarat5/20/2026, 8:28:15 AM
VNSGUમાં B.A. કોર્સમાં પ્રવેશ શરૂ:NEP-2020 અંતર્ગત કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે B.A. કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ દ્વારા શરૂ થઈ ગઈ છે. આર્ટસ ફેકલ્ટીના બેચલર ઓફ આર્ટસ (B.A.) કોર્સની વિગતો જાહેર કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત આ અભ્યાસક્રમને આધુનિક અને વૈશ્વિક સ્તરનો બનાવવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે NEP-2020 હેઠળ B.A. પ્રોગ્રામને વધુ વ્યવહારુ અને કારકિર્દીલક્ષી બનાવવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને માનવતા અને સામાજિક વિજ્ઞાન ક્ષેત્રે નવી કારકિર્દીની તકો પૂરી પાડશે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાએ જણાવ્યું હતું કે, વર્તમાન યુગ માત્ર ટેકનોલોજીનો નથી, પરંતુ માનવીય મૂલ્યો અને સામાજિક સમજણનો પણ છે. VNSGU દ્વારા B.A. અભ્યાસક્રમને UPSC, GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ આધુનિક સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. આનાથી વિદ્યાર્થીઓ વહીવટી, શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નેતૃત્વ આપી શકશે. યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ૨૦થી વધુ વિષયોમાં સ્પેશિયલાઇઝેશનની તક ઉપલબ્ધ છે. ભાષા વિભાગમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જેવા વિષયો સાથે સાહિત્ય, અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની તકો ઊભી થશે. સામાજિક વિજ્ઞાન અંતર્ગત અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ અને સમાજશાસ્ત્ર જેવા વિષયો વિદ્યાર્થીઓને આર્થિક વિશ્લેષણ, કાઉન્સેલિંગ, જાહેર વહીવટ અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શન આપશે. ઉપરાંત, ગૃહ વિજ્ઞાન અને ભૂગોળ જેવા વિષયો પણ આધુનિક અભ્યાસ સાથે ઉપલબ્ધ છે. યુનિવર્સિટીએ વધુમાં જણાવ્યું કે B.A. કોર્સ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મજબૂત પાયો પૂરો પાડે છે. NEP-2020 અંતર્ગત ૪ વર્ષનો ઓનર્સ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માસ્ટર્સ કર્યા વગર સીધા Ph.D.માં પ્રવેશ મેળવી શકશે. મલ્ટી-ડિસિપ્લિનરી અભ્યાસ પદ્ધતિ હેઠળ વિદ્યાર્થીઓ પોતાના મુખ્ય વિષય સાથે અન્ય માઇનર વિષયો પણ પસંદ કરી શકશે. કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૨ કોઈપણ પ્રવાહમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ B.A. કોર્સમાં પ્રવેશ માટે પાત્ર ગણાશે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન નોંધણી કરી યુનિવર્સિટી તરીકે VNSGU પસંદ કરવાની રહેશે. વધુ માહિતી, મેરિટ લિસ્ટ અને પરિપત્રો માટે યુનિવર્સિટીની વેબસાઇટ સતત તપાસતા રહેવા અનુરોધ કરાયો છે.
Read Original Article →