આરામ કરતા વાઘને ઉશ્કેરનારનો વીડિયો ઉતારી લેવાયો:નેચર પાર્કમાં વાઘને પથ્થરો મારી પજવણી, પોલીસ ફરિયાદ કરાશે
સરથાણા નેચર પાર્કમાં શનિવારે એક મુલાકાતીએ આરામ કરી રહેલા વાઘને પથ્થરો મારીને પજવ્યો હતો. આ આખી ઘટના પાર્કના કેમેરામાં કેદ થતાં હવે પાલિકા વીડિયો ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ નોંધાવશે. માત્ર 6 સેકન્ડના આ વીડિયોમાં યુવકે શાંતિથી બેસેલા વાઘને રીતસરના ઉશ્કેરવાના અને ધ્યાન ખેંચવાના બદઈરાદાથી પથ્થરો મારતો દેખાય છે. આ ઘટનાની આઘાતજનક બાબત એ છે કે અસામાજિક તત્વ પત્થરમારો કરી રહ્યો હતો ત્યારે આસપાસ અન્ય મુલાકાતીઓ પણ હાજર હતા પરંતુ કોઈએ આ યુવકને અટકાવવાની કે ટોકવાની તસ્દી લીધી ન હતી. નેચર પાર્કના ઇન્ચાર્જ અધિકારીએ કહ્યું કે, વીડિયો સપાટી પર આવ્યા બાદ સિક્યુરિટીએ પણ શનિવારે મુલાકાતી દ્વારા પજવણી કરાયાની ફરિયાદને સમર્થન આપ્યું હતું. આ વિવાદ મુદ્દે સોમવારે સીસીટીવી ફૂટેજના આધારે યુવકની ઓળખ કરીને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરાઇ હોવાનું નેચરપાર્ક પ્રશાસને ઉમેર્યું હતું.
Read Original Article →