હવે લૂંટારુઓ પણ થયા ‘ડિજિટલ’:વેસુના મની આર્કેડ મોલમાં સેલ્સમેનને ધમકાવી ગૂગલ પે/નેટ બેન્કિંગથી પડાવ્યા રૂપિયા; ઉધનાનો હિસ્ટ્રીશીટર જેલના સળિયા પાછળ

Gujarat6/4/2026, 12:34:24 PM
હવે લૂંટારુઓ પણ થયા ‘ડિજિટલ’:વેસુના મની આર્કેડ મોલમાં સેલ્સમેનને ધમકાવી ગૂગલ પે/નેટ બેન્કિંગથી પડાવ્યા રૂપિયા; ઉધનાનો હિસ્ટ્રીશીટર જેલના સળિયા પાછળ
સુરત શહેરના અત્યંત પોશ અને ધમધમતા ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા "મની આર્કેડ" શોપિંગ મોલમાંથી એક ચોંકાવનારી અને હૃદયધબકાવી દેનારો ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે. બારડોલીથી વેપારના અર્થે સુરત આવેલા એક સેલ્સમેનને નિશાન બનાવીને ત્રણ અજાણ્યા બદમાશોએ મોલની લિફ્ટમાં જ ચપ્પુની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ યુવક સાથે હિંસક મારામારી કરી મોલમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. જો કે, ઘટના બાદ એક્શનમાં આવેલી વેસુ પોલીસે ગણતરીની મિનિટોમાં ઓપરેશન પાર પાડીને એક રીઢા હિસ્ટ્રીશીટરને દબોચી લીધો છે. રોકડ પડાવી ગુગલ-પે/નેટ બેન્કિંગથી ₹14,000 ટ્રાન્સફર કરાવ્યા આ ચકચારી ઘટના ૩જી જૂન ૨૦૨૬ના રોજ ઘટી હતી. મોલમાં સેલ્સમેનને લિફ્ટની અંદર બળજબરીપૂર્વક ગોંધી રાખ્યા બાદ લૂંટારુઓએ તેની આકરી તલાશી લીધી હતી. આરોપીઓએ પહેલા ફરિયાદીના ખિસ્સામાંથી ₹૩,૫૦૦ની રોકડ રકમ આંચકી લીધી હતી. આટલાથી પણ સંતોષ ન થતાં, બદમાશોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી તેનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને તેના નેટ બેન્કિંગ એકાઉન્ટ મારફતે અન્ય એક બેંક ખાતામાં ₹14,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ, લૂંટારુઓએ રોકડ અને ડિજિટલ ટ્રાન્સફર મળી કુલ ₹17,500ની મિલકતની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. ‘પોલીસ જન રક્ષક 112’ની મદદથી ગણતરીની મિનિટોમાં આરોપી ઝબ્બે બનાવ બાદ ગભરાયેલા સેલ્સમેને હિંમત હાર્યા વિના તુરંત જ સરકારની કટોકટી સેવા 'પોલીસ જન રક્ષક 112' પર કોલ કરીને સમગ્ર આપવીતી જણાવી હતી. કંટ્રોલ રૂમ દ્વારા મેસેજ ફ્લેશ થતાં જ વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. રાઠવાના માર્ગદર્શન હેઠળ ટીમો એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે મોલના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટારુઓનું શારીરિક વર્ણન મેળવી વ્યાપક નાકાબંધી કરી હતી. પોલીસની સઘન વોચના કારણે ગુના વાળી જગ્યાની નજીકથી જ એક સંદિગ્ધ ઈસમ પકડાઈ ગયો હતો, જેની ઓળખ ફરિયાદીએ કરી લેતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પકડાયેલો મુખ્ય સૂત્રધાર પાસા (PASA) હેઠળ જેલ ભોગવી ચૂકેલો રીઢો ગુનેગાર વેસુ પોલીસે પકડાયેલા આરોપી અજય ખલાણે વિરૂદ્ધ લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં સંકળાયેલા તેના અન્ય બે ફરાર સાગરીતોને પકડવા અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે. પકડાયેલા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ અને લૂંટની રકમ રિકવર કરવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
Read Original Article →