લિફ્ટ લોક થતાં 7 વર્ષના બાળક સહિત 6 લોકો ફસાયા:વેસુના ગેલોપિન કોમ્પ્લેક્સની લિફ્ટમાં 45 મિનિટ સુધી ફસાયા, મોબાઈલ નેટવર્ક કપાયું; ફાયરબ્રિગેડે દરવાજો તોડી બહાર કાઢ્યા
સુરત શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગો અને મોલ-કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લિફ્ટ ખોટકાવવાની અને લોકોના જીવ જોખમમાં મૂકાવવાની ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વહીવટી તંત્ર અને બિલ્ડિંગ એસોસિએશનોની ગંભીર બેદરકારી વચ્ચે વધુ એક કાળજું કંપાવી દેનારી ઘટના સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં સામે આવી છે. વેસુ કેનાલ રોડ પર આવેલા ગેલોપિન કોમ્પ્લેક્સના માઈનસ થ્રી બેઝમેન્ટમાં ટેકનિકલ ખામીના કારણે એક લિફ્ટ અચાનક લોક થઈ ગઈ હતી. આ લિફ્ટની અંદર એક 7 વર્ષના માસૂમ બાળક સહિત કુલ 6 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ગૂંગળામણ અને કાળઝાળ ગરમી વચ્ચે, લિફ્ટની અંદર મોબાઈલ નેટવર્ક પણ ન હોવાના કારણે આ લોકો પૂરા 45 મિનિટ સુધી મોતની આમને-સામને સબડતા રહ્યા હતા. જોકે, બેઝમેન્ટમાં કરવામાં આવેલી બૂમાબૂમ બહાર સંભળાતા જાગૃત નાગરિકો અને ફાયર બ્રિગેડની તત્પરતાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને તમામ 6 લોકોને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા. બાળક સહિત 6 લોકો ફસાતા દોડધામ મચી
મળતી માહિતી અનુસાર, બુધવારે સાંજે ગેલોપિન કોમ્પ્લેક્સમાં નાગરિકો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા. સાંજના આશરે 6:30 વાગ્યાની આસપાસ લિફ્ટ ત્રીજા બેઝમેન્ટ (-૩) તરફ જઈ રહી હતી ત્યારે અચાનક એક મોટા ઝટકા સાથે લિફ્ટ અધવચ્ચે જ જામ થઈ ગઈ હતી. લિફ્ટની અંદર 7 વર્ષનો માસૂમ બાળક મેવાન્ટ ચાવડા, 34 વર્ષીય રિધિમાં ચાવડા, 26 વર્ષીય ડીવીયાન્ગ સરોલીયા, 26 વર્ષીય નંદની શર્મા, 38 વર્ષીય નીતા પટેલ અને 43 વર્ષીય કલ્પેશ પટેલ સવાર હતા. લિફ્ટ બંધ થતાં જ અંદર અંધારપટ છવાઈ ગયો હતો અને પંખા તેમજ વેન્ટિલેશન સિસ્ટમ સદંતર બંધ થઈ ગઈ હતી. મોબાઈલ નેટવર્ક કપાતા લોકોના જીવ અધ્ધર થયા
સામાન્ય રીતે કોઈપણ ઈમારતના ત્રીજા બેઝમેન્ટમાં મોબાઈલ સિગ્નલ મળવા મુશ્કેલ હોય છે, અને આ કિસ્સામાં પણ એવું જ બન્યું. લિફ્ટમાં ફસાયેલા લોકોએ પોતાના પરિવારજનો કે કોમ્પ્લેક્સના સિક્યુરિટી ગાર્ડનો સંપર્ક કરવા માટે મોબાઈલ ફોન બહાર કાઢ્યા, પરંતુ તમામ ફોનમાં ‘નો નેટવર્ક’ ડિસ્પ્લે થતું હતું. લિફ્ટની અંદર ઈમરજન્સી એલાર્મ બેલ પણ કામ ન કરતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેમ-જેમ મિનિટો વીતતી ગઈ, તેમ-તેમ લિફ્ટની અંદર ઓક્સિજનની માત્રા ઘટવા લાગી હતી અને ગરમીને કારણે ફસાયેલા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. 7 વર્ષનું બાળક ગભરાઈને રડવા લાગ્યું હતું, જેના કારણે લિફ્ટની અંદર હાજર અન્ય લોકોના ધબકારા પણ વધી ગયા હતા. આશરે 45 મિનિટ સુધી અંદર બંધ રહ્યા બાદ, ફસાયેલા લોકોએ હિંમત ભેગી કરીને લિફ્ટના દરવાજા પર હાથ પછાડવાનું અને જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. જ્યારે લિફ્ટમાં સવાર લોકો બેઝમેન્ટમાંથી સતત ભુમાબૂમ કરી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકના કાને આ અવાજ અથડાયો હતો. તેણે તાત્કાલિક મામલો સમજીને સમય બગાડ્યા વિના સાંજે 07:15 વાગ્યે સુરત ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને ફોન કરીને ઘટનાની ગંભીરતા વિશે માહિતગાર કર્યા. ફાયર જવાનો લિફ્ટનો દરવાજો તોડી લોકોનું રેસ્ક્યૂ કર્યું
કોલ મળતાની સાથે જ વેસુ ફાયર સ્ટેશન એલર્ટ થઈ ગયું હતું. સબ ફાયર ઓફિસર કિશોર પટેલ પોતાની ટીમ અને અત્યાધુનિક રેસ્ક્યુ સાધનોથી સજ્જ ફાયર એન્જિન સાથે સાયરનો વગાડતી મિનિટોમાં ગેલોપિન કોમ્પ્લેક્સ ખાતે દોડી ગઈ હતી. ફાયરની ટીમે સમય સૂચકતા વાપરીને સૌથી પહેલાં લિફ્ટની અંદર ફસાયેલા લોકોને હિંમત આપી હતી કે ‘અમે આવી ગયા છીએ, ગભરાશો નહીં.’ ત્રીજા બેઝમેન્ટની અંદર લિફ્ટનો દરવાજો ટેકનિકલી એટલો મજબૂત રીતે લોક થઈ ગયો હતો કે તેને સામાન્ય ચાવી કે હાઇડ્રોલિક પ્રેશરથી ખોલવો મુશ્કેલ હતો. સમય ઓછો હોવાથી અને અંદર લોકોની હાલત બગડી રહી હોવાથી, સબ ફાયર ઓફિસર કિશોર પટેલ અને વેસુ ફાયરની ટીમે વિલંબ કર્યા વિના કટર અને સ્પ્રેડર જેવા હેવી રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરીને લિફ્ટનો લોખંડી દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર જવાનોની ભારે જહેમત બાદ માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં લિફ્ટનો દરવાજો સફળતાપૂર્વક તોડી નાખવામાં આવ્યો હતો. દરવાજો ખુલતાની સાથે જ ફાયરના જવાનોએ સૌથી પહેલા 7 વર્ષના માસૂમ બાળકને બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ અન્ય 5 વ્યક્તિઓને એકપછી એક સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા. લિફ્ટમાંથી બહાર આવતાની સાથે જ તમામ લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા અને તેઓએ ફાયર બ્રિગેડના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. લાંબી ગૂંગળામણને કારણે તમામને તાત્કાલિક પ્રાથમિક સારવાર અને પાણી આપવામાં આવ્યું હતું. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ સુરતમાં લિફ્ટ મેન્ટેનન્સની પોલ ખોલી નાખી છે.
Read Original Article →