મિત્રના ઘરે બેસવા જવું ખેડૂત પરિવારને ભારે પડ્યું:વેસુ ચાર રસ્તા પાસે બંગલામાંથી 15 લાખ રોકડા અને હીરાના દાગીનાની ચોરી, 3 કલાક સુધી હાથફેરો કરી ચોર ફરાર
સુરતના પોશ વિસ્તારમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. વેસુ ચાર રસ્તા પાસે આનંદ જૈન કૈલાશ જૈન બંગ્લોઝમાં રહેતા અને ખેતી તેમજ કાપડ પ્રિન્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અભિષેક આનંદકુમાર જૈનના ઘરે તસ્કરોએ ત્રાટકી કુલ 31,47,500 રૂપિયાની મતાની ચોરી કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ફરિયાદી અને તેમની પત્ની રાત્રિના સમયે તેમના મિત્રના ઘરે ગયા હતા. તસ્કરે બંગલાના બીજા માળે આવેલા બેડરૂમનો ખુલ્લો દરવાજો જોઈ અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રહેલી ચાવીઓનો ઉપયોગ કરી તિજોરી સાફ કરી નાખી હતી. રોકડ 15 લાખ અને કિંમતી ઘરેણાંની ચોરી
ચોરીની આ ઘટનામાં ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમના બેડરૂમના કબાટમાંથી રોકડા 15,00,000 રૂપિયા ચોરાયા છે. આ રકમ તેમણે હાથખર્ચ અને ખેતીની આવકમાંથી એકઠી કરી હતી. રોકડ સિવાય ચોર સોના અને ડાયમંડના કિંમતી દાગીના પણ લઈ ગયો છે. જેમાં 45 ગ્રામ વજનની 02 નંગ સોના-ડાયમંડની બંગડીઓ (કિંમત આશરે 6,52,500), 39 ગ્રામનું સોના-ડાયમંડનું મોટું બ્રેસલેટ (કિંમત આશરે 5,45,500), 13 ગ્રામનું સોના-મોતી-ડાયમંડનું નાનું બ્રેસલેટ (કિંમત આશરે 1,88,500) અને અન્ય હીરાજડિત બુંટી અને વીંટીઓનો સમાવેશ થાય છે. CCTV ફૂટેજમાં કેદ થયો ચોર
ઘટનાની જાણ થતાં જ અભિષેકભાઈએ આસપાસના CCTV કેમેરા તપાસ્યા હતા. એસ.ડી. જૈન સ્કૂલ અને પાડોશીના બંગલાના CCTV ફૂટેજમાં એક અજાણ્યો શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. ફૂટેજ મુજબ, આ ચોર રાત્રે આશરે 10:30 વાગ્યે બંગલામાં પ્રવેશ્યો હતો અને છે ક મોડી રાત્રે 01:45 વાગ્યાની આસપાસ બંગલાની બહાર નીકળતો દેખાય છે. આ લાંબા સમયગાળા દરમિયાન તેણે ઘરના બીજા માળે જઈને નિરાંતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. દરવાજો લોક ન હોવાનો તસ્કરે લીધો લાભ
ફરિયાદીએ જણાવ્યું કે તા. 16-04-2026ના રોજ રાત્રે 09:00 વાગ્યે તેઓ પત્ની સાથે બહાર ફરવા નીકળ્યા હતા. તે સમયે ઉતાવળમાં મેઈન ગેટ બંધ તો કર્યો હતો પરંતુ તેને લોક મારવાનું રહી ગયું હતું. આ સાથે જ બીજા માળે આવેલા બેડરૂમનો દરવાજો પણ ખુલ્લો જ હતો. આ નાની ભૂલનો મોટો લાભ ચોરને મળ્યો હતો. તેને બંગલામાં પ્રવેશવા માટે કોઈ મહેનત કરવી પડી નહોતી. બેડરૂમમાં રાખેલી ચાવીઓ જ કબાટમાં હોવાથી તેને તાળા તોડવાની પણ જરૂર પડી નહોતી. સવારે જાગ્યા ત્યારે ચોરીની જાણ થઈ
અભિષેકભાઈ અને તેમની પત્ની રિચા રાત્રે 01:45 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા. જોકે, તે સમયે બેડરૂમમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત ન હોવાથી તેમને કોઈ શંકા ગઈ નહોતી. બીજા દિવસે સવારે જ્યારે પત્નીએ કામ માટે રૂપિયા કાઢવા કબાટ ખોલ્યું, ત્યારે 15,00,000ના બંડલ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. વધુ તપાસ કરતાં દાગીનાનું કબાટ પણ ખાલી હતું, જેનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ખેતીની મહેનતની કમાણી એક જ રાતમાં ચોરાઈ જતા પરિવારમાં શોકનો માહોલ છે. ઉમરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
આ મામલે અભિષેક જૈને સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. પોલીસે બંગલાની મુલાકાત લઈ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ પણ લીધી છે. પ્રાથમિક તપાસમાં કોઈ જાણભેદુ હોવાની અથવા તો રેકી કર્યા બાદ જ આ ચોરી થઈ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.
Read Original Article →