દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત કેસ:વરાછા પોલીસે છેલ્લા 3 મહિનાથી ફરાર મુખ્ય આરોપી જેઠને MPના ગોપિયાપુરાથી ઝડપી પાડ્યો

Gujarat5/24/2026, 9:44:08 AM
દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત કેસ:વરાછા પોલીસે છેલ્લા 3 મહિનાથી ફરાર મુખ્ય આરોપી જેઠને MPના ગોપિયાપુરાથી ઝડપી પાડ્યો
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ચકચારી દુષ્પ્રેરણના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા મુખ્ય આરોપી (જેઠ)ને વરાછા પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી મધ્યપ્રદેશના મુરેના ખાતેથી દબોચી લીધો છે. પકડાયેલ આરોપીની ઓળખ સતીશ મુરલીધર કુશવાહ (ઉં.વ. 27) તરીકે થઈ છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત લાવવાની તજવીજ શરૂ કરી છે. લગ્નજીવનના થોડા જ સમયમાં સાસરિયાઓએ પરિણીતાને હેરાન કરી મળતી માહિતી મુજબ ફરિયાદી બલબીરસિંહ રામસ્વરૂપ કુશ્વાહની દીકરી રીતુના લગ્ન લક્ષ્મીનારાયણ મુરલીધર કુશ્વાહ સાથે થયા હતા. લગ્ન બાદ રીતુ વરાછાની જવાહરનગર સોસાયટી, બુટ-ભવાની મંદિર પાસે પોતાના સાસરીમાં રહેતી હતી. જોકે, લગ્નજીવનના થોડા જ સમયમાં તેના સાસરિયાઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. રીતુને તેનો પતિ લક્ષ્મીનારાયણ, સસરા મુરલીધર રામસ્વરૂપ કુશ્વાહ, સાસુ કમલેશદેવી, જેઠ સતીશ મુરલીધર કુશ્વાહ અને નણંદ અંકિતા ઉર્ફે રીંકી છેલ્લા આઠેક મહિનાથી અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. સાસરિયાઓના મેણા-ટોણાથી કંટાળીને ગળાફાંસો ખાધો સાસરિયાઓ રીતુને 'તારા ઘરેથી દહેજમાં કંઈ લાવી નથી' તેમ કહીને સતત મેણા-ટોણા મારતા હતા અને નાની-નાની બાબતોમાં બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. એટલું જ નહીં, સાસરિયાઓએ રીતુ પાસે તેના પિતાના ઘરેથી 2 લાખ રૂપિયા દહેજ પેટે લઈ આવવાની માંગણી શરૂ કરી દીધી હતી. સાસરિયાઓના અસહ્ય ત્રાસ અને મેણા-ટોણાથી કંટાળીને આખરે રીતુએ તારીખ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે વરાછા પોલીસ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી ત્રણ મહિનાથી ફરાર હતો આ ગંભીર ગુનાના સાસરિયા પક્ષના આરોપીઓ ગુનો આચર્યા બાદથી જ નાસતા ફરતા હતા. આ દરમિયાન વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને બાતમી હકીકત મળી હતી કે, આ આપઘાતના ગુનામાં (BNS કલમ 108) છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો આરોપી અને મરણ જનારનો જેઠ સતીશ મુરલીધર કુશવાહ હાલ મધ્યપ્રદેશના મુરેના ખાતે છુપાયેલો છે. બાતમી મળતા જ વરાછા પોલીસે રાહ જોયા વગર ઉપરી અધિકારીઓ પાસેથી રાજ્ય બહાર તપાસ કરવા માટેની જરૂરી મંજૂરી મેળવી લીધી હતી. તાત્કાલિક ધોરણે વરાછા પોલીસની એક સ્પેશિયલ ટીમ મધ્યપ્રદેશ જવા રવાના કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ પહોંચેલી સુરત પોલીસની ટીમે સ્થાનિક કક્ષાએ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. આરોપી ખૂબ જ શાતિર હોવાથી વારંવાર પોતાના આશ્રયસ્થાનો બદલતો હતો, પરંતુ સુરત પોલીસની ટીમે હિંમત હાર્યા વગર મુરેના જિલ્લાના ગોપિયાપુરા ગામે વોચ ગોઠવી દીધી હતી. આખરે સ્થાનિક કડીઓ જોડીને પોલીસે ગોપિયાપુરા ખાતેથી આરોપી સતીશ મુરલીધર કુશવાહને કોર્ડન કરીને સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો. પરિણીતાને મરવા માટે મજબૂર કરનારા આ નરાધમ જેઠને ઝડપી પાડીને વરાછા પોલીસની ટીમે તેને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →