નવા મેયરની તાજપોશી થતાં જ જનતાએ આપ્યો પહેલો પડકાર:વરાછા ઓવરબ્રિજ પાસે પતરા હટ્યા પણ સાઇડનો રોડ બનાવવાનું તંત્ર ભૂલ્યું, બિસ્માર રસ્તાનો વીડિયો વાયરલ
સુરતના વરાછા રોડ, ગીતાંજલિ પાસે જે ઓવરબ્રિજ બની રહ્યો છે તેમનું સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વરાછા વિસ્તારના લાખો વાહનચાલકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરાછા રોડ પર ગીતાંજલિ સિનેમા પાસે લાંબા સમયથી નિર્માણ હેઠળના ઓવરબ્રિજની કામગીરીમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. અહીં બ્રિજનું કામ થોડા અંશે પૂર્ણ થતાં રસ્તાની વચ્ચે ઊભી કરાયેલી પતરાની આડાશ તો હટાવી લેવાઈ છે, પરંતુ તેની આજુબાજુનો સાઇડનો રોડ બનાવવામાં જ આવ્યો નથી. આ ગંભીર પરિસ્થિતિ અંગે વિસ્તારના એક જાગૃત નાગરિકે સ્થળ પર જઈને એક વીડિયો બનાવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાગૃત નાગરિકે સુરતના નવનિયુક્ત મેયરને ટેગ કરીને વરાછાના લાખો લોકો વતી આ બિસ્માર રોડ વહેલી તકે બનાવવાની ઉગ્ર માંગ કરી છે. વરસાદ શરૂ થતાં પહેલાં આ રોડનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવ્યું નથી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રોડની હાલત અત્યંત ગંભીર અને બિહામણી દેખાઈ રહી છે. બ્રિજની સાઇડમાં પતરા હટી જતાં વાહનોની અવરજવર તો શરૂ થઈ ગઈ છે પરંતુ, રસ્તો પ્રોપર ન હોવાથી વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. આખો રસ્તો ઉબડખાબડ, ખાડાટેકરા વાળો અને ધૂળની ડમરીઓથી ઘેરાયેલો છે. આગામી દિવસોમાં ચોમાસું બેસવાનું છે ત્યારે સ્થાનિકોની ચિંતામાં બમણો વધારો થયો છે. જો વરસાદ શરૂ થતાં પહેલાં આ રોડનું યોગ્ય રીપેરીંગ કે ડામરીકરણ કરવામાં નહીં આવે, તો આખો વરાછા રોડ કાદવ-કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ જશે. ભુતકાળમાં પણ આવી બેદરકારીને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ ચૂકી છે. વરાછાના લોકો અને જાગૃત નાગરિકો હવે સુરતના નવા મેયર પાસે આશા રાખી રહ્યા છે કે તેઓ આ વાયરલ વીડિયોની ગંભીરતા સમજીને, ચોમાસું બેસે તે પહેલાં જ યુદ્ધના ધોરણે ગીતાંજલિ ઓવરબ્રિજની સાઇડના રોડનું કામ પૂર્ણ કરાવે જેથી જનતાને ટ્રાફિક અને ખાડાઓથી મુક્તિ મળે. અહીંયા પતરાની આડાશ ઊભી કરેલી હતી તે કાઢી નાખવામાં આવ્યું
આ વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે, સુરત, વરાછા રોડ, ગીતાંજલિ પાસે જે ઓવરબ્રિજ બની રહ્યો છે તેમનું થોડા અંશે કામ પૂર્ણ થયું છે ને જે અહીંયા પતરાની આડાશ ઊભી કરેલી હતી તે કાઢી નાખવામાં આવેલ છે પરંતુ, સાઇડમાં રોડ બન્યો નથી તો આપણે આજે જે નવા માયાબેન માવાણી મેયર બનેલા છે, એ બેનને નમ્ર વિનંતી કે આપ વરાછા વિસ્તારથી છો, તો આજે તમે જોઈ શકો છો આ રીતે ખૂબ ખરાબ રોડ છે. તો આ રોડ ચોમાસા પહેલા એટલે કે આવતા 10-15 દિવસમાં બનાવી આપવામાં આવે, જેથી કરીને અહીંયાના નાના-મોટા વેપારીઓ અને એમને ત્યાં આવતા આ ગ્રાહકો અને વરાછા રોડના રાહદારીઓને મુક્તિ મળે આ રોડથી.
Read Original Article →