વરાછા કો-ઓપ. બેંક ચૂંટણી, 31 વર્ષનો ‘સમરસ’નો સિલસિલો તૂટ્યો:53 હજાર સભાસદો નક્કી કરશે 6000 હજાર કરોડના વહીવટી સત્તાનું ભવિષ્ય, ઉદ્યોગપતિઓ મતદાન કરવા પહોંચ્યા
સુરત શહેરની સહકારી બેંકિંગ ક્ષેત્રની જાયન્ટ ગણાતી વરાછા કો-ઓપરેટિવ બેંકમાં આજે ઈતિહાસ રચાયો છે. 6000 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી બેંકની સ્થાપનાથી અત્યાર સુધી હંમેશા બિનહરીફ વરણી થતી આવી છે, પરંતુ આ વખતે 31 વર્ષમાં પ્રથમવાર મતદાનની નોબત આવી છે. 12 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 17 ઉમેદવારોના ભાવિ આજે પેટીમાં કેદ થયા છે. સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ મતદાન કરવા પહોંચતા લોકસભા-વિધાનસભા જેવો માહોલ વરાછાના કાપોદ્રા ધારૂકા કોલેજ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો હતો. ઉદ્યોગપતિઓ મતદાન કરવા પહોંચ્યા
સુરતના કાપોદ્રા ખાતે આવેલી ધારુકા કોલેજ કેમ્પસમાં વરાછા બેંકની ચૂંટણીનું મતદાન આજે સવારે 8:00 વાગ્યાથી ચાલી રહ્યું છે. સાંજે ચાર વાગ્યા સુધી મતદાન યોજાશે. સવારથી ચાલી રહેલા મતદાનમાં સૌરાષ્ટ્રવાસી હીરા ઉદ્યોગપતિઓ સહિતના વરાછા બેંકમાં સભાસદો હોવાથી મતદાન કરવા આવી રહ્યા છે. વલ્લભભાઈ સવાણી, મહેશ સવાણી, પૂર્વ મેર દક્ષેશ મવાણી, દિનેશ નાવડીયા સહિતના ઉદ્યોગપતિઓ મતદાન કરવા આવી ચૂક્યા છે. કેમ આ ચૂંટણી ઐતિહાસિક બની?
વરાછા બેંકમાં કુલ 15 બેઠકો છે. નિયમ મુજબ ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ 3 બેઠકો પર સભ્યો બિનહરીફ થયા હતા. બાકીની 12 બેઠકો પર સહમતી સાધવા માટે છેલ્લા દિવસ સુધી કવાયત ચાલી હતી. જોકે, 5 અપક્ષ ઉમેદવારો પોતાની જીદ પર અડગ રહેતા અને ફોર્મ પરત ન ખેંચતા આખરે સહકાર પેનલ સામે ચૂંટણીનો જંગ છેડાયો છે. નંબર વગર પ્રચાર માટે 'તારણહાર' બન્યા કાર્યકરો
આ વખતે ચૂંટણીમાં સૌથી મોટો અવરોધ 'ડેટા પ્રોટેક્શન એક્ટ' બન્યો હતો. ડિજિટલ યુગમાં પહેલીવાર ઉમેદવારો પાસે મતદારોના મોબાઈલ નંબરની સત્તાવાર યાદી નહોતી. ઉમેદવારોએ મતદાર યાદીમાંથી 'અટક' મુજબ ડેટા અલગ તારવ્યો હતો. વોટ્સએપ ગ્રુપમાં લિંક્સ મોકલીને મતદારોને જોડવા પ્રયાસો થયા. 200થી વધુ કાર્યકરોની ફોજ ઉતારીને 25 હજારથી વધુ પરિવારોનો રૂબરૂ સંપર્ક કરાયો હતો. રાજકીય ચૂંટણી જેવો માહોલ: સોસાયટી વાઈઝ પ્રચાર
સામાન્ય રીતે સહકારી બેંકની ચૂંટણીમાં શાંત માહોલ હોય છે, પરંતુ અહીં દૃશ્યો અલગ હતા. દરેક સોસાયટી દીઠ મતદારોની યાદી બનાવી કાર્યકરોએ ડોર-ટુ-ડોર કેમ્પેઈન કર્યું હતું. મતદારોને રિઝવવા માટે પેનલ વાઈઝ કાર્ડ્સ અને સોશિયલ મીડિયા વીડિયોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વરાછા વિસ્તારમાં સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. બેંક મારી છે એવો સભાસદોને અહેસાસ, જબરદસ્ત મતદાન થઈ રહ્યું છેઃ કાનજીભાઈ
કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે, વરાછા કો-ઓપરેટિવ બેંકમાં 30 વર્ષ પછી યોજાયેલી આ પ્રથમવાર ઇલેક્શનનો જંગ થયો છે. પણ આજે જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે, એ જોઈને ગૌરવ થાય કે લોકોને વરાછા બેંક પ્રત્યે ખૂબ લાગણીથી જોડાયેલા છે. આ બેંક મારી બેંક છે, એવો સભાસદોનો અહેસાસ અમને દેખાઈ રહ્યો છે એનો આનંદ છે. અને ખૂબ મોટી માત્રામાં, કદાચ અમને અપેક્ષા નહોતી એના કરતા પણ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, કારણ કે બેંકને સાચવવાની છે, બેંકની મજબૂતાઈ ટકાવવાની છે. ‘લોકોનો ઉત્સાહ જ અમને કામ કરવાની પ્રેરણા આપે છે’
આ લોકશાહી છે અને 30 વર્ષ પછી જ્યારે ઇલેક્શન જાહેર થયું, ત્યારે ઘણા બધાને એવું હોય કે ચાલોને આપણે પણ ઉમેદવારી કરીએ, બસ એવા ભાવથી થયેલી ઉમેદવારી અને એ મિત્રો પણ સામે ઊભા છે. પણ લોકોને બેંક માટેની જે લાગણી છે, એ ગમે એટલી સામે પેનલ હોય તોય આ પેનલ જીતવી જોઈએ એ ઉત્સાહ જ અમને આ કામ કરવાની પ્રેરણા આપે છે. ગેરવહીવટ કે સારો વહીવટ નથી એવા આક્ષેપોનો જવાબ સભાસદોએ આપ્યો છે. સભાસદોને વિશ્વાસ છે. ગેરવહિવટના આક્ષેપો વિશે તમે શું કહેશો?
જે આક્ષેપ થયા છે ને એ આક્ષેપમાં એક પણ ટકા સત્યતા નથી, કદાચ એવો વિચાર પણ નહીં આવ્યો હોય. સભાસદોને સાચવવાનું કદાચ ભારતભરમાં વરાછા બેંક એવી બેંક છે કે એને વીમાથી સુરક્ષિત, અકસ્માત વીમાથી સુરક્ષિત કર્યા હોય એવી બેંક છે. વાત આવી કર્મચારીની, તો અમારા કર્મચારીઓને 25 લાખ, 50 લાખ ને 1 કરોડનો વીમો બેંકના કર્મચારીના માટે અપાતો હોય એવી ભારતભરની આ પ્રથમ બેંક છે. અડચણ તો ઇલેક્શનમાં સ્વાભાવિક હશે જ, પણ અમારા સભાસદો બેંકની સાથે ટટ્ટાર થઈને ઊભા છે ને એ જ બેંકની મજબૂતાઈ છે. શું લાગે છે કેટલું મતદાન થશે?
જવાબમાં કાનજી ભાલાળાએ કહ્યું કે, મતદાન મને એવું લાગે છે કે 15,000 જેટલું મતદાન કુલ થવાની પૂરી શક્યતા છે. અમને એવું હતું કે 10,000 મતદાન થશે, પણ જે ઉત્સાહ જે રીતે આવી રહ્યા છે ને લાઈન ખૂટતી જ નથી એ જોતા એવું લાગે છે કે મતદાન ઘણું થશે. આ બેંકની ખરેખર બેંકની સાથે સભાસદો છે એનું આ પ્રૂફ છે. સભાસદો સુધી પહોંચવામાં કેટવી મુશ્કેલી મડી?
ડેટા પ્રોટેક્શન એક્ટને કારણે ઉમેદવારોને સભાસદોના મોબાઈલ નંબર સાથેની યાદી મળી શકી નહોતી. પણ અમે આખું સોશિયલ મિકેનિઝમ સમાજનું એ રીતે જોડાયેલું છે; ગામના મંડળ, પરિવારના મંડળ, સોસાયટીના મંડળ અને એ મંડળના એડ્રેસ નીકળ્યા અને એ એડ્રેસને આધારે પોતાની પાસેના નંબર એને મેચ કરીને અમે સંપર્ક કરવાની પૂરી કોશિશ કરી છે. અમે અંદાજે 25,000 સભાસદો સુધી મોબાઈલથી કોન્ટેક્ટ કરી શક્યા છીએ. બે ઉમેદવારો વંડી ઠેકીને ઈ પેનલમાં જતાં ચૂંટણીની જરૂર પડીઃ હિતેશ જાસોલિયા
પરિવર્તન પેનલ ઉમેદવાર હિતેશ જાસોલિયાએ જણાવ્યું કે, વરાછા બેંકની ઇલેક્શનમાં હું વાત કરું તો 31 વર્ષના શાસન બાદ આ પહેલીવાર ઇલેક્શન છે અને એકહથ્થુ શાસન છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારે એકહથ્થુ શાસન ચાલતું હતું ત્યારે આ સહકાર પેનલના જ બે ઉમેદવારો જે અમારી પેનલમાં હતા અને વંડી ઠેકીને ઈ પેનલમાં વયા ગયા, ત્યારે આ ઇલેક્શન કરવાની ફરજ પડી છે. ‘લોકશાહી જીવંત રાખવા ચૂંટણી કરવી જરૂરી’
આ કોઈ આ લોકશાહીના ભાગમાં અત્યારે આ કીડિયારું ઉભરાણું એ લોકશાહી બતાવે છે અને આને લોકશાહી કહેવાય. અમારો એક જ મુખ્ય ઉદ્દેશ્ય છે કે વ્યવસ્થા પરિવર્તન થવું જોઈએ. વ્યવસ્થા પરિવર્તન માટે સહકારના કાયદા છે, આ બંધારણના કાયદા છે કે લોકશાહી જીવંત રાખવા માટે ચૂંટણી ફરજિયાત કરવી જરૂરી છે. તો જ લોકશાહીમાં આપણે જીવી શકીએ, રહી શકીએ અને મતદાતાનો અધિકાર પણ રહી જાય અને જે બેંકમાં અત્યારે હું વાત કરું તો મારા મુદ્દા અને જે વંડીઓ ઠેકીને ગયા છે જે બે વ્યક્તિઓ સહકાર પેનલમાં, અમારા બધાના સાથે મુદ્દા એવા હતા કે આ દીકરીઓને 11 મહિનાના કરાર ઉપર આ વરાછા બેંક રાખે છે, જો દીકરીની જ તમે વાત કરતા હોવ તો હું આ ખુલ્લી મીડિયાના માધ્યમથી તમને આ ચેલેન્જ આપું છું કે હું તમને પત્ર લખીશ. ‘આ લડાઈ વંડીઓ ઠેકવા વાળા સામે છે’
આ હું બંધ નથી થઈ જવાનો આ હજી શરૂઆત છે. આજે અમે જ્યારે પેનલ ઉભી કરી ત્યારે અમારા પેનલમાંથી અમારી તોડી અને વંડીઓ ઠેકીને જે વઈ જવા વાળા છે ને એની સામે અમે લડાઈ છે આ અમારી. આ સહકાર પેનલ જો સહકાર નહીં આપે તો આવતા પાંચ વર્ષે પણ ચૂંટણીમાં જંગ લડવા માટે તૈયાર જ રહેજો. ‘20-21ના ઓડિટ રિપોર્ટ કેમ નથી મૂકતા?’
અને મારા સભાસદ ભાઈઓને વિનંતી કરું છું કે આપ ઊંડી તપાસ કરજો જે કઈ વેબસાઈટો સરકારની અથવા તો વરાછા બેંકની પબ્લિક ડોમેન હોય એમાં ચેક કરી લેજો. જે 20-21ના ઓડિટ રિપોર્ટ કેમ નથી મૂકતા? અને જે હમણાં વાર્ષિક રિપોર્ટ જે જાહેર કરે છે 2025નો ઓડિટ રિપોર્ટ, તો એમાં પણ થાપણ તમે જોઈ લેજો કે થાપણ આવે છે 800 કરોડ રૂપિયા જે 3300 કરોડ રૂપિયા અને 4400 કરોડ થાય છે તો 800 કરોડ રૂપિયાનું ફંડ, આ લોન તો લોકો લાઈનમાં છે તો 800 કરોડ રૂપિયા કેમ લોન આગળ નથી આપતા? ‘મતદાતા અમને ન જીતાડે તો પણ વાંધો નથી’
આ પણ ઘણા સવાલ ઉત્પન્ન થાય છે પણ હવે અમે પાપા પગલી કરતા શીખ્યા હતા, હવે અમે આમાં ઊંડા ઉતરી અને સીડી પાંચ વર્ષમાં સીડી ચઢીને બતાવશું. જો અમે સીડી ન ચઢી શકીએ, આ મતદાતા અમને ન જીતાડે, અમને કોઈ વાંધો નથી, કોઈ અફસોસ નથી પણ વ્યવસ્થા પરિવર્તન કઈ રીતના થાય એ આવનારા પાંચ વર્ષમાં અમે જ બતાવીશું. ચૂંટણીમાં અમે હારી જઈએ તો મને કોઈ ગમ નથી અમે દિલ જીતી લીધા છે લોકોના. આ વ્યવસ્થા પરિવર્તન અને આ લોકશાહીને જીવંત રાખવાનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે.
Read Original Article →