ડાયમંડ થીમ બુલેટ ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મનું કામ પૂર્ણ:સુરત-બીલીમોરાના બદલે વાપી સુધી દોડાવવાની તૈયારી, ઓગસ્ટ 2027માં ટ્રાયલ રન પહેલા 2 અદભૂત અને હાઈટેક ટ્રેન સેટ આવશે ગુજરાત
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. પ્રોજેક્ટના સૌથી મહત્વપૂર્ણ એવા પ્રાયોરિટી સેક્શનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. દેશની પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન પહેલા સુરતથી બિલીમોરા વચ્ચે 48 કિલોમીટરના રૂટ પર થવાનું હતું, પરંતુ હવે આ ટ્રાયલ સીધું વાપી સુધી લંબાવવામાં આવ્યું છે. સુરતથી વાપી વચ્ચે 100 કિલોમીટરનો આખો એલિવેટેડ કોરિડોર નોન-સ્ટોપ ટ્રાયલ માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયો છે. આ ભવ્ય પ્રોજેક્ટના ડ્રોન શોર્ટ્સ જોતા સ્પષ્ટ થાય છે કે હાઈસ્પીડ રેલ ટ્રેક કઈ રીતે આકાશી ઊંચાઈઓ પર આકાર લઈ ચૂક્યો છે અને આજુબાજુનો નજારો ભવિષ્યના આધુનિક ભારતની ઝાંખી કરાવી રહ્યો છે. અદભૂત એરિયલ વ્યુમાં સ્ટેશનથી લઈને વિશાળ ડેપો સુધીની કામગીરી સ્પષ્ટપણે આકર્ષિત કરે છે. ઓગસ્ટ 2027માં પ્રથમ ટ્રાયલ રન, સુરત આવશે 2 ટ્રેન સેટ
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, સંભવિત રીતે 15 ઓગસ્ટ 2027ના રોજ દેશના સ્વતંત્રતા દિવસે સુરતથી વાપી વચ્ચે દેશનો પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન ટ્રાયલ રન યોજાઈ શકે છે. આ ઐતિહાસિક ક્ષણ માટે વહીવટી તંત્ર દિવસ-રાત કામ કરી રહ્યું છે. આ ટ્રાયલ રનને સફળ બનાવવા માટે આગામી વર્ષના મધ્ય ભાગ સુધીમાં જાપાનથી બુલેટ ટ્રેનના 2 અદભુત અને હાઈટેક ટ્રેન સેટ સીધા સુરત લાવવામાં આવશે. આ બંને ટ્રેન સેટને સુરતના નિયાલ ખાતે બની રહેલા અત્યાધુનિક મેન્ટેનન્સ ડેપોમાં રાખવામાં આવશે, જ્યાં તેનું કમિશનિંગ અને ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવશે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશનનું પ્લેટફોર્મ લેવલનું કામ 100 ટકા પૂર્ણ
સુરતના અંતરોલીમાં બની રહેલા દેશના પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરી નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, આ સ્ટેશનનું રેલ પ્લેટફોર્મ લેવલ હવે 100 ટકા તૈયાર થઈ ગયું છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે સ્ટેશનની અંદર એર કન્ડિશન્ડ અનપેઇડ એરિયા, વિશાળ કોનકોર્સ લેવલ, ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) રૂમ અને અત્યાધુનિક ઓટોમેટિક ફેયર કલેક્શન (AFC) ગેટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. સ્ટેશન બિલ્ડિંગનું માળખું દૂરથી જ એક ભવ્ય એરપોર્ટ જેવો અહેસાસ કરાવે છે. વૈશ્વિક ડાયમંડ ઉદ્યોગ પર આધારિત 'ડાયમંડ ફેસેટ' થીમ
સુરત વિશ્વભરમાં હીરા નગરી તરીકે પ્રખ્યાત છે, તેથી આ ગૌરવને સ્ટેશનની ડિઝાઇનમાં પણ વણી લેવામાં આવ્યું છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની આખી થીમ “ડાયમંડ ફેસેટ” પર આધારિત રાખવામાં આવી છે. આ સ્ટેશન મુખ્યત્વે ત્રણ સ્તરોમાં વહેંચાયેલું રહેશે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, કોનકોર્સ લેવલ અને પ્લેટફોર્મ લેવલનો સમાવેશ થાય છે. મુસાફરો સ્ટેશનની બંને બાજુથી સરળતાથી એન્ટ્રી કરી શકશે. સિક્યોરિટી ચેકિંગ પૂર્ણ કર્યા બાદ મુસાફરો સેન્ટ્રલ એરકન્ડિશન્ડ કોનકોર્સ એરિયામાં પ્રવેશ મેળવશે, જે અત્યંત આલીશાન લુક ધરાવે છે. મુસાફરો માટે વિશ્વસ્તરીય સવલતો અને એરપોર્ટ જેવો લાઉન્જ
સ્ટેશન પરિસરને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મુસાફરો માટે અનુકૂળ બનાવવામાં આવી રહ્યું છે. અહીં એક વિશાળ વેઈટિંગ લાઉન્જ, ડિજિટલ ટિકિટ કાઉન્ટર, સેલ્ફ ટિકિટ વેન્ડિંગ મશીનો, ઇન્ફોર્મેશન કિઓસ્ક અને ગ્રાહક સહાયતા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શોપિંગ માટે રીટેલ આઉટલેટ્સ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા અને આધુનિક શૌચાલયો વિકસાવવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે નર્સરી અને બેબી ફીડિંગ રૂમની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રવાસ દરમિયાન કોઈ તકલીફ ન પડે. ઇકો-ફ્રેન્ડલી ગ્રીન સ્ટેશન અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પાર્કિંગ
આ પ્રોજેક્ટ માત્ર સ્પીડ માટે જ નહીં પરંતુ પર્યાવરણની જાળવણી માટે પણ ઉદાહરણ સમાન છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશનને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે IGBC (ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ)ના માપદંડો અપનાવાયા છે. સ્ટેશનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણીનો સંગ્રહ), લો-VOC પર્યાવરણ અનુકૂળ પેઇન્ટ, સુંદર ગ્રીન ગાર્ડન અને છાંયડાવાળા વોક-વે તૈયાર કરાયા છે. વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે ચાર્જિંગ સુવિધા સાથે અલગથી ખાસ પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. ભવિષ્યમાં અહીં આવતા મુસાફરો માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 508 કિમીના આખા કોરિડોરમાં અત્યાર સુધી થયેલી ભવ્ય પ્રગતિ
મુંબઈ-અમદાવાદ વચ્ચેના કુલ 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોર પર કામ અત્યંત ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. લેટેસ્ટ ડેટા મુજબ, 508 કિમીમાંથી 349 કિમી વાયાડક્ટ (Viaduct) અને 443 કિમી પિલર (થાંભલા) બનાવવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ રૂટ પર આવતી નદીઓ પર 17 વિશાળ નદી પુલ, 05 પીએસસી (પ્રિ-સ્ટ્રેસ્ડ કોંક્રિટ) બ્રિજ અને 13 સ્ટીલ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવ્યા છે. ટ્રેનની સ્પીડના કારણે આસપાસના વિસ્તારોમાં અવાજ ન થાય તે માટે 288 કિલોમીટરના સેક્શનમાં 5.7 લાખથી વધુ હાઈ-ટેક નોઈઝ બેરિયર્સ (Noise Barriers) લગાવવામાં આવ્યા છે. ટ્રેક બિછાવવાનું કામ અને OHE માસ્ટ સ્થાપન અંતિમ તબક્કામાં
બુલેટ ટ્રેનના પાટા બિછાવવાની ટેકનોલોજી સામાન્ય ટ્રેન કરતા તદ્દન અલગ છે. અત્યાર સુધીમાં 374 ટ્રેક કિમી (187 રૂટ કિમી) પર આરસી ટ્રેક બેડ (RC Track Bed) નું નિર્માણ પૂરું થઈ ગયું છે, જ્યારે 191 રૂટ કિમી પર ટ્રેક સ્લેબનું મેન્યુફેક્ચરિંગ પૂર્ણ થયું છે. આ સાથે જ 74 રૂટ કિમી વિસ્તારમાં ટ્રેક સ્લેબ પાથરવા અને સીએએમ (સિમેન્ટ એસ્ફાલ્ટ મોર્ટાર) ઇન્જેક્શનનું કામ પણ પૂરું કરી દેવાયું છે. ટ્રેનને વીજળી સપ્લાય કરવા માટે મેઈન લાઈન વાયાડક્ટના લગભગ 179 રૂટ કિમી વિસ્તારમાં 7700 થી વધુ OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) માસ્ટ લગાવી દેવામાં આવ્યા છે અને ટોપ કંડક્ટર સ્ટ્રિંગિંગ એટલે કે વાયર ખેંચવાની કામગીરી પણ હવે યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
Read Original Article →