વડોદમાં 5000 લોકો કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર:નંદઘર અને ક્લિનિક પાસે ડ્રેનેજની ગંદકી, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું; સ્થાનિકોએ કહ્યું, પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું

Gujarat4/6/2026, 12:30:00 AM
વડોદમાં 5000 લોકો કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર:નંદઘર અને ક્લિનિક પાસે ડ્રેનેજની ગંદકી, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું; સ્થાનિકોએ કહ્યું, પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું
સુરત મનપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. જોકે, આ તૈયારીઓ વચ્ચે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. સુરતના વોર્ડ નંબર 29 (અલ્થાન, બમરોલી અને વડોદ)માં આવતા વડોદ આવાસની હાલત અત્યંત દયનીય છે. અહીં લગભગ 1500 મકાનોમાં વસતા 5000થી વધુ લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. આવાસની દરેક ગલીઓમાં કચરાના ઢગલા અને ડ્રેનેજના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોનો શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. જયારે નંદઘર અને ક્લિનિક પાસે પણ ડ્રેનેજની ગંદકી જોવા મળી હતી. સ્થાનિકોએ કહ્યું, બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું અને પહેલા સફાઈ કરો તો જ વોટ આપીશું ચીમકી ઉચ્ચારી છે. નંદઘર અને ક્લિનિક પાસે જ ગંદકીના ઢગલા સ્થાનિકોની સૌથી મોટી ફરિયાદ એ છે કે જ્યાં સરકારી સુવિધાઓ હોવી જોઈએ ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય છે. વડોદ આવાસમાં આવેલા નંદઘર કમ્યુનિટી હોલ અને સરકારી ક્લિનિકની બિલકુલ બાજુમાં કચરાના મોટા પહાડો ખડકાયા છે. લોકો અહીં સુવિધા માટે આવે છે પરંતુ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. ક્લિનિકમાં આવતા દર્દીઓ અને બાળકો આ ગંદકીના કારણે વધુ બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા આ કચરો દૂર કરવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી. ગંદકીના કારણે બાળકોમાં બીમારીનું જોખમ વધ્યું આવાસની ગલીઓમાં વહેતા ગટરના પાણી અને કચરામાં જ માસૂમ બાળકો રમવા માટે મજબૂર છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ખતરો સતત મંડરાતો રહે છે. ગરીબ પરિવારો જે રોજનું કમાઈને રોજ ખાય છે, તેઓ કમાણી છોડીને બાળકોની સારવાર માટે દોડધામ કરે કે પેટ ભરે? તે મોટો સવાલ છે. 'વોટ માંગવાનો સમય આવે ત્યારે નેતાઓ હાથ જોડીને આવે છે' સ્થાનિક રહીશ મમતાબેને જણાવ્યું કે, તેમની દુકાન અને ઘરની આસપાસ એટલી ગંદકી છે કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. બાળકો આ ગંદકી વચ્ચે મોટા થઈ રહ્યા છે. જ્યારે વોટ માંગવાનો સમય આવે ત્યારે જ નેતાઓ હાથ જોડીને આવે છે અને મોટા વાયદાઓ કરીને ચાલ્યા જાય છે. 5 વર્ષમાં એકવાર પણ કોઈ નેતાએ અહીં આવીને એવું નથી પૂછ્યું કે તમે કઈ હાલતમાં જીવો છો. 'ટેક્સ ભરાવશે, પણ કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી' સ્થાનિક દુકાનદાર અશોક ભાઈએ જણાવ્યું કે, પૈસા લેવા આવશે, ટેક્સ ભરાવશે, ઘરવેરો ભરાવશે, પણ અહીંયા કોઈ સાફ-સફાઈની વ્યવસ્થા નથી. એસએમસી (SMC)ની સાઉથ ઝોનની ઓફિસ અહીંયા જ છે, એ લોકો પણ જોઈ રહ્યા છે કે પાણી રસ્તા પર વહી રહ્યું છે, છતાં કોઈ વ્યવસ્થા નથી થતી. નેતાઓ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે જ વોટ માંગવા આવે છે, પછી દેખાતા જ નથી. 'પીવાનું પાણી ગંદુ આવે અને વાસ મારે છે' સ્થાનિક કોકિલાબેને જણાવ્યું હતું કે, અહીં પાણી સવારે ગંદુ આવે અને વાસ મારે છે. કચરાવાળા પણ આવે તો ઢગલો કરીને ચાલ્યા જાય, પછી એને લઈ નથી જતા. અમને તો એ પણ ખબર નથી કે કોર્પોરેટર કોણ છે કે કયા સાહેબ છે, અમે તો જૂના ઘરે જઈને વોટ આપી આવીએ છીએ પણ અહીં કોઈ નેતા જોવા આવતું નથી. 'બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે' સ્થાનિક કલાબેને જણાવ્યું હતું કે, કોઈ નેતા નથી આવતું, ખાલી વોટિંગ જોઈતું હોય ત્યારે જ આવી જાય છે. આ બધી બિલ્ડિંગોની સફાઈ કરવા કોઈ નથી આવતું, અમારે જાતે જ બધું કરવાનું હોય છે. નેતાઓ નથી આવતા, બસ પેલા છોકરાઓ આવીને કાપલીઓ આપી જાય છે એટલે અમે વોટ દઈ આવીએ છીએ. આઠ-આઠ વર્ષથી જનતા પરેશાન, કોઈ ઉકેલ નહીં વડોદ આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, તેઓ છેલ્લા 8 વર્ષથી આવી જ રીતે નરક જેવી સ્થિતિમાં રહે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર કામચલાઉ સફાઈ થાય છે. ગટરની લાઈનો વારંવાર ચોકઅપ થઈ જાય છે અને ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ જાય છે. આ ગંદકીમાં જીવવું એ હવે અહીંના લોકોની મજબૂરી બની ગઈ છે. પ્રશાસન અને લોકપ્રતિનિધિઓ બંને આ ગંભીર મુદ્દે મૌન સેવીને બેઠા છે.
Read Original Article →