સુરતમાં 4 લાખ સ્માર્ટ મીટર લાગ્યા છતાં વિવાદ યથાવત:‘ચોરીછૂપીથી મીટર કેમ લગાવો છો?’ કહીને ઉધનાના સ્થાનિકોએ DGVCLની ટીમનો ઘેરાવ કર્યો

Gujarat4/8/2026, 8:30:19 AM
સુરતમાં 4 લાખ સ્માર્ટ મીટર લાગ્યા છતાં વિવાદ યથાવત:‘ચોરીછૂપીથી મીટર કેમ લગાવો છો?’ કહીને ઉધનાના સ્થાનિકોએ DGVCLની ટીમનો ઘેરાવ કર્યો
સુરત શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 4 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ જેમ જેમ આ કામગીરી આગળ વધી રહી છે તેમ તેમ વિરોધના સ્વરો પણ તેજ બની રહ્યા છે. ખાસ કરીને સુરતના ઉધના વિસ્તારમાં આજે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્ષેપ છે કે ગરીબ પરિવારોના ઘરે પૂર્વ જાણકારી આપ્યા વગર મીટર બદલવાની પ્રક્રિયા હાથ ધરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. 'અમને આ નવી ટેકનોલોજી વિશે કઈ ખબર નથી' ઉધના વિસ્તારના રહેવાસીઓએ DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર સીધા જ મીટર બદલવા માટે ટીમો મોકલી દેવામાં આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે, અમે ગરીબ શ્રમજીવી માણસો છીએ, અમને આ નવી ટેકનોલોજી વિશે કઈ ખબર નથી. વીજ કંપનીએ પહેલા અમને વિશ્વાસમાં લેવા જોઈએ. જાણ કર્યા વગર ઘરમાં ઘુસીને મીટર બદલવાની પદ્ધતિ સામે લોકોએ લાલચોળ આંખ કરી હતી. 'જો ફાયદાકારક હોય તો ચોરીછૂપીથી કેમ?' જનતાનો સવાલ સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે લોકોમાં એક મુખ્ય ચર્ચા એ છે કે જો આ મીટર ખરેખર ગ્રાહકોના હિતમાં છે અને તેનાથી ફાયદો થવાનો છે, તો પછી તંત્ર તેને છૂપી રીતે કેમ લગાવી રહ્યું છે? સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો સરકાર કહે છે કે સ્માર્ટ મીટર સારા છે, તો પછી અમને સમજાવ્યા વગર કે કેમ્પ કર્યા વગર આ રીતે કેમ ઠોકી બેસાડવામાં આવે છે?. લોકોનો આક્ષેપ છે કે પ્રી-પેડ સિસ્ટમ અને ઝડપથી કપાઈ જતા બેલેન્સને કારણે સામાન્ય વર્ગની મુશ્કેલીઓ વધવાની છે. સામાજિક કાર્યકર્તાએ કર્મચારીઓનો વીડિયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાયરલ જ્યારે ઉધનામાં DGVCLના કર્મચારીઓ મીટર લગાવી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર એક સામાજિક કાર્યકર્તાએ તેમની કામગીરીનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. વીડિયોમાં કાર્યકર્તા કર્મચારીઓને પૂછી રહ્યા છે કે ગ્રાહકોની પરવાનગી કે સમજૂતી વગર આ કામગીરી કેમ થઈ રહી છે?. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા અન્ય વિસ્તારોના લોકો પણ જાગૃત થયા છે અને સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે એકજૂથ થઈ રહ્યા છે. 'પહેલા માહિતી આપો, પછી જ કામગીરી કરો' ઉધનાના રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી DGVCL દ્વારા યોગ્ય રીતે જનજાગૃતિ ફેલાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ સ્માર્ટ મીટર લગાવવા દેશે નહીં. તેમની માંગ છે કે, પહેલા અધિકારીઓ આવે, અમને મીટરના ફાયદા અને તેના રીડિંગ વિશે સમજાવે, અમારા પ્રશ્નોના જવાબ આપે અને ત્યારબાદ જ મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરે. સ્થાનિકોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે. '4 લાખ મીટર છતાં અસંતોષ કેમ?' સુરતમાં અત્યાર સુધીમાં 4 લાખ સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, જે આંકડો મોટો છે. તેમ છતાં, હજુ પણ ગ્રાઉન્ડ લેવલ પર લોકોમાં આ ટેકનોલોજીને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે. વીજ કંપનીનો દાવો છે કે આનાથી ચોકસાઈ વધશે, પરંતુ ગ્રાહકોને લાગી રહ્યું છે કે તેમનું શોષણ થશે.
Read Original Article →