ઉધનાના ઉદ્યોગનગરમાં ટ્રાન્સફોર્મરમાં આગ:આકરી ગરમી વચ્ચે કલાક સુધી વીજળી ગુલ થતા રહીશો પરેશાન, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતા રાહત
સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ઉદ્યોગ નગરના રોડ નંબર 4 પર આજે અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આકરી ગરમીમાં પંખા-એસી બંધ થઈ જતાં રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાવર કટ કરી આગ પર કાબૂ મેળવાયો
આગ પર કાબૂ મેળવવા માટે સૌથી પહેલા વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. વીજ કંપનીના અધિકારીઓ સાથે સંકલન સાધીને પાવર કટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ટ્રાન્સફોર્મરમાં ઓઈલ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, પરંતુ ફાયર જવાનોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી હતી. રહીશો અને ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો
એક તરફ સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ આ અકસ્માતને કારણે કલાકો સુધી પાવર કટ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉદ્યોગ નગર વિસ્તાર હોવાથી કારખાનાઓમાં પણ કામકાજ ઠપ્પ થઈ ગયું હતું. આકરી ગરમીમાં પંખા-એસી બંધ થઈ જતાં રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. એક કલાકની જહેમત બાદ સ્થિતિ થાળે પડી
ફાયર વિભાગ દ્વારા સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ બુઝાઈ ગયા બાદ વીજ કંપની દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ આગ ઠારતા સ્થાનિક લોકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
Read Original Article →