ભાજપ કાર્યકર જય દલાલ હત્યા કેસમાં આરોપી મિલિંદ કોળી ઝડપાયો:મહારાષ્ટ્રના જલગાંવમાં છુપાયો હતો, એક આરોપી ફરાર; ઉધના પોલીસને ચોથા દિવસે મળી સફળતા

Gujarat5/22/2026, 6:35:00 PM
ભાજપ કાર્યકર જય દલાલ હત્યા કેસમાં આરોપી મિલિંદ કોળી ઝડપાયો:મહારાષ્ટ્રના જલગાંવમાં છુપાયો હતો, એક આરોપી ફરાર; ઉધના પોલીસને ચોથા દિવસે મળી સફળતા
સુરત : ઉધના વિસ્તારમાં થોડા દિવસો પહેલા થયેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જય દલાલની ઘાતકી હત્યાના કેસમાં ઉધના પોલીસને સફળતા હાથ લાગી છે. આ સનસનીખેજ હત્યાકાંડના ચોથા દિવસે પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી ત્રણ પૈકીના એક આરોપીને દબોચી લીધો છે. ઝડપાયેલા આરોપીનું નામ મિલિંદ નવલ કોળી છે. જય દલાલની હત્યાને પગલે સમગ્ર સુરત શહેરમાં અને ખાસ કરીને રાજકીય વર્ગમાં ભારે રોષ અને કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. આ ઘટના બાદ પોલીસ પર ભારે દબાણ હતું, ત્યારે ઉધના પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા. આખરે ચાર દિવસની સઘન શોધખોળ બાદ પોલીસને મિલિંદને પકડવામાં સફળતા મળી છે. હત્યા બાદ બાય રોડ સીધા મહારાષ્ટ્ર ભાગ્યા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભાજપ કાર્યકર જય દલાલની હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓએ સુરતથી ફરાર થવા માટે 'બાય રોડ'નો વિકલ્પ પસંદ કર્યો હતો. તેઓ કોઈની નજરમાં ન આવે અને સીસીટીવી કેમેરાથી બચતા બચતા સીધા મહારાષ્ટ્રના જલગાંવ પહોંચી ગયા હતા. અન્ય એક આરોપી ફરાર થઈ ગયો ઉલ્લેખનીય છે કે, જલગાંવ એ પકડાયેલા આરોપી મિલિંદ નવલ કોળીનું મૂળ વતન છે, જેથી ત્યાં આશરો લેવો સરળ હતો. પોલીસને જ્યારે બાતમી મળી કે આરોપીઓ જલગાંવમાં છુપાયા છે, ત્યારે તાત્કાલિક એક ટીમ ત્યાં રવાના કરવામાં આવી હતી. જોકે, પોલીસ જ્યારે મિલિંદને પકડવા પહોંચી ત્યારે તેની સાથે અન્ય એક આરોપી પણ હાજર હતો, પરંતુ પોલીસની ભનક લાગતા જ તે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મુખ્ય આરોપી કિશનનો 18 ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ આ સમગ્ર હત્યાકાંડમાં મુખ્ય આરોપી તરીકે કિશન અને પંકજ પાટીલના નામ ખૂલ્યા છે, જેઓ હાલમાં પોલીસની પકડથી દૂર છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત આરોપી કિશનનો ગુનાહિત ઇતિહાસ છે. પોલીસ રેકર્ડ મુજબ, ફરાર આરોપી કિશન એક રીઢો અને માથાભારે ગુનેગાર છે. તેની ઉપર ભૂતકાળમાં મારામારી, ધાકધમકી સહિતના 18 જેટલા ગંભીર કેસો નોંધાયેલા છે. એટલું જ નહીં, કિશન વિરુદ્ધ અગાઉ પાસા (PASA) હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, તાજેતરમાં જ તે પોતાની પાસાની સજા પૂરી કરીને સુરત પરત ફર્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે પોતાના સાગરીતો પંકજ અને મિલિંદ સાથે મળીને આ નવી હત્યાને અંજામ આપ્યો છે.
Read Original Article →