ઓપન બાર જેવી વ્યવસ્થા ને ખુલ્લેઆમ દેશી-ઇંગ્લિશ દારૂનું વેચાણ:'મારા ભાઈઓ મરી રહ્યા છે અને મહિલાઓની છેડતી થાય છે', સુરતના અડ્ડા પર જનતા રેડ

Gujarat5/28/2026, 7:20:10 AM
ઓપન બાર જેવી વ્યવસ્થા ને ખુલ્લેઆમ દેશી-ઇંગ્લિશ દારૂનું વેચાણ:'મારા ભાઈઓ મરી રહ્યા છે અને મહિલાઓની છેડતી થાય છે', સુરતના અડ્ડા પર જનતા રેડ
સુરત ઉધનાના એમ ફોર માર્કેટ પાસે ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા પર સ્થાનિકો અને મહિલાઓએ મળીને 'જનતા રેડ' પાડી હતી. આ રેડ દરમિયાન ત્યાં હાજર લોકોએ સમગ્ર ઘટનાના વીડિયો બનાવ્યા હતાં. જેમાં ઓપન બાર જેવી વ્યવસ્થા અને ખુલ્લેઆમ દેશી-ઇંગ્લિશ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં એક સ્થાનિક યુવક ભારે આક્રોશ સાથે સતત બૂમો પાડીને કહી રહ્યો હતો કે, 'આ દારૂના અડ્ડાને કારણે અહીં મારી બહેનની છેડતી પણ થઈ છે!' આ ગંભીર આક્ષેપની સાથે જ ઘટનાસ્થળે હાજર મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. મહિલાઓ કહી રહી હતી કે આ દારૂના દૂષણને કારણે કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે. 'કેસ નોંધવાની કામગીરી કરવામાં આવી રહી છે'-PI પી.આઈ. આર.એમ.ઠાકોરે જણાવ્યું હતું કે, રાત્રે 112 નંબર પર લોકો દ્વારા આ અંગે જાણ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હાલમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી તેમજ કેસ નોંધવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઓપન બાર જેવી વ્યવસ્થા, દેશી-વિદેશી દારૂનો જથ્થો જે જગ્યાએ જનતા રેડ કરવામાં આવી તે દ્રશ્યો ચોંકાવનારા હતા. એક ખુલ્લી જગ્યામાં જાણે કોઈ ઓપન બાર ચાલી રહ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. રેડ દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં દેશી દારૂની પોટલીઓ અને ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ગ્રાહકોને ત્યાં આરામથી બેસીને દારૂ પીવા માટેની તમામ અસામાજિક વ્યવસ્થાઓ પણ અડ્ડા સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. અચાનક સ્થાનિકોનો મોરચો જોઈને દારૂ પીનારા અને વેચનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે રેડ કરવામાં આવી ત્યારે મોટાભાગના લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને માત્ર એક-બે લોકો જ ત્યાં હાજર મળી આવ્યા હતા. લોકો બૂટલેગરોના સાગરીતો પર ભડક્યા આ જનતા રેડ દરમિયાન વાતાવરણ ત્યારે વધુ ગરમાયું જ્યારે ત્યાં હાજર એક અજાણ્યો વ્યક્તિ લોકોને વીડિયો ઉતારતા અટકાવવા લાગ્યો. તે સતત કહી રહ્યો હતો કે કોઈ વીડિયો ન ઉતારે. આ સાંભળતા જ ત્યાં હાજર મહિલાઓ અને પુરુષો વધુ ભડકી ગયા હતા અને તે શખ્સને બરાબરનો આડે હાથ લીધો હતો. વીડિયોમાં પૂર્વ કોર્પોરેટર પર આક્ષેપ વાયરલ વીડિયોમાં એક મહિલા જણાવે છે કે, કેટલાઈ લોકોના દારૂ પીને મરી રહેલાં છે. કેટલાય ઘર બરબાદ થયા છે. પોલીસ પ્રશાસન અને ભાજપ સરકાર શું કરે છે?. હર્ષભાઈ સંઘવી કહે છે કે ગુજરાતમાં દારૂ બંધ છે અને હર્ષભાઈને પૂછવા માંગીશ કે, આ દારૂ કયાંથી આવી?. જેટલા પણ અડ્ડાઓ છે તેને બંધ કરાવો. મહિલા વીડિયોમાં બોલે છે કે, લોકોનું કહેવું છે કે પૂર્વ કોર્પોરેટર નાગરભાઈ પટેલના રાજમાં અને તેના આશિર્વાદથી આ દારના અડ્ડાઓ ચાલે છે. મહિલાઓની છેડતીનો આક્ષેપ સ્થાનિકોનો આક્ષેપ છે કે, આવા અસામાજિક તત્વો અને બૂટલેગરોના સાગરીતોને કારણે જ વિસ્તારમાં બહેન-દીકરીઓની છેડતીની ઘટનાઓ વધતી જાય છે. રેડ દરમિયાન ખુલ્લી જગ્યાની અંદર છુપાવીને રાખવામાં આવેલો દેશી-વિદેશી દારૂનો મોટો જથ્થો લોકોએ શોધી કાઢ્યો હતો અને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. રાજકીય અને સામાજિક સંગઠનો પણ જનતા રેડમાં જોડાયા ઉધનાની આ જનતા રેડમાં માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ અગ્રેસર જોવા મળ્યા હતા. વીડિયો અને ઘટનાસ્થળની વિગતો મુજબ, રેડ દરમિયાન ત્યાં કોંગ્રેસના ખેસ પહેરીને કેટલાક કાર્યકરો હાજર રહ્યા હતાં. આ સાથે જ ભીમ આર્મી (ભીમસેના)ના લોકો પણ પોતાના સંગઠનના ખેસ પહેરીને લોકોના સમર્થનમાં મેદાને આવેલા જોવા મળ્યા હતાં. વિપક્ષ અને સામાજિક સંગઠનોએ સુરત પોલીસની પ્રોહિબિશનની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે પોલીસની રહેમનજર હેઠળ જ આવા અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેના કારણે સામાન્ય જનતાએ કાયદો હાથમાં લેવો પડ્યો છે. ભાજપ નેતા જય દલાલ હત્યાકાંડની યાદો તાજી, મુખ્ય સૂત્રધારો ફરાર અત્રે ઉલ્લેખનીય છે કે, હજી થોડા દિવસો પહેલા જ આ જ ઉધના વિસ્તારમાં ભાજપાના સક્રિય કાર્યકર્તા જય દલાલની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સામેલ બૂટલેગર અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવી હતી. અગાઉ થયેલી પાસાની કાર્યવાહીની અદાવત રાખીને જ જય દલાલ પર જીવલેણ હુમલો કરાવી તેમની હત્યા નીપજાવવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ હત્યાકાંડમાં સુરત પોલીસ હજી સુધી મુખ્ય બે આરોપીઓને પકડી શકી નથી. મુખ્ય સૂત્રધારો હજી પણ પોલીસ પકડથી દૂર છે, ત્યાં જ ઉધનામાં ફરી એકવાર છેડતી અને દારૂના અડ્ડા સામે જનતાએ મોરચો ખોલતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ પણ વાંચો સુરતમાં દેશી દારૂના અડ્ડા પર LIVE રેડ 2 મહિના પહેલાં સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લીંબાયત વિસ્તારમાં એક દેશી દારૂના અડ્ડા પર સોશિયલ મીડિયા લાઈવ સાથે 'જનતા રેડ' કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, અહીં માસૂમ બાળકો પાસે દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદમાં ગૃહ ઉદ્યોગની જેમ ઘરમાં જ દેશી દારૂનું પેકિંગ, VIDEO રાજ્યમાં દારૂબંધી વચ્ચે શહેર સાબરમતી પોલીસ સ્ટેશન હદમાં દારૂનું પેકિંગ કરતા બે બુટલેગર અને બે મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. 2 મહિના પહેલાં અમદાવાદમાં બુટલેગર ઘરમાં દેશી દારૂની થેલીઓ ભરી રહ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થતા જ પોલીસે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, બે મહિના અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં જ દેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદમાં મુંબઈના બાર જેવો દેશી દારૂનો અડ્ડો રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે, કારણ કે અમદાવાદના રાણીપમાં બલોલનગરબ્રિજની નીચે જાહેરમાં દારૂનો અડ્ડો ચાલે છે, જ્યાં લોકો જાહેરમાં દારૂ પીવા આવે છે. દારૂ પીવા માટે સોફા, ચેર સહિતની VIP ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. 31 જાન્યુઆરી, 2026ના જાણ થતાં જ ભાસ્કર રિપોર્ટર આ દારૂના અડ્ડા પર પહોંચ્યા હતા. ભાસ્કર રિપોર્ટરને જોતાં જ દારૂડિયાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. તો એક ચિક્કાર પીધેલો શખસ ત્યાં મળ્યો હતો. તેને પૂછતાં તેણે કહ્યું “હા અહીં દારૂ મળે છે, હું 15-20 પોટલી મારીને બેઠો છું.” (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →