પ્રેમીએ ગર્ભપાતની દવા આપી, નાનીએ ભ્રૂણ કચરામાં ફેંક્યું:સુરતમાં કચરાના ઢગલામાંથી સળગાવેલા ભ્રૂણ મળવા પાછળ મહારાષ્ટ્રની યુવતીનો હાથ, પોલીસે અટકાયત કરી; DNA ટેસ્ટ થશે
સુરતના ઉધના વિસ્તારમાં બુધવાર(27મે)ના રોજ માનવતાને લજવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. ભીમનગર ગરનાળા પાસે મશોબા મંદિરની સામે કચરાના સળગતા ઢગલામાંથી અંદાજે 6થી 7 દિવસના એક નવજાત બાળકના ભ્રૂણને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સળગાવેલી હાલતમાં ફેંકી દેવામાં આવ્યું હતું. આ દ્રશ્ય પર સ્થાનિક લોકોની નજર પડતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના શહાદા તાલુકા ખાતે રહેતી એક 19 વર્ષીય યુવતીની અટકાયત કરી લીધી છે. જે હાલ પોતાની નાનીના ઘરે સુરત આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ ભ્રૂણ પોતાનું જ હોવાનું યુવતીએ કબૂલ કરી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પ્રેમીએ ગર્ભપાતની ગોળીઓ આપી, નાનીએ ભ્રૂણને કચરામાં ફેંક્યું
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ યુવતી માત્ર ગર્ભપાત કરાવવા માટે જ મહારાષ્ટ્રથી સુરત નાનીના ઘરે આવી હતી. તેના પ્રેમીએ તેને ગર્ભપાત કરવા માટેની દવાઓ (ગોળીઓ) આપી હતી. યુવતીએ આ ગોળીઓ ખાઈ લીધી હતી અને ત્યારબાદ ગર્ભપાત થતાં ઘરમાંથી આ ભ્રૂણ લઈને તેની સગી નાની ઉધના વિસ્તારમાં પહોંચી હતી. પાપ છુપાવવાના ઈરાદે નાનીએ જ્યાં કચરો સળગી રહ્યો હતો ત્યાં આ માસૂમ ભ્રૂણને ફેંકી દીધું હતું. કચરામાં પહેલાથી આગ લાગેલી હતી કે પુરાવાનો નાશ કરવા માટે આગ લગાવવામાં આવી હતી, તે દિશામાં પણ ઉધના પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. યુવતીની સાચી ઉંમર કેટલી? DNA ટેસ્ટ થશે
પકડાયેલી યુવતી પોતાને 19 વર્ષની ગણાવી રહી છે, પરંતુ પોલીસને તેની ઉંમર અંગે શંકા છે. આથી, ઉધના પોલીસ દ્વારા હાલમાં યુવતીના તમામ ઓળખ પત્રો (આઈડી કાર્ડ) કબજે કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, તેની સાચી ઉંમર 19 વર્ષ છે કે તે સગીર વયની છે, તે સત્તાવાર રીતે જાણવા માટે પોલીસ તેનો DNA ટેસ્ટ પણ કરાવશે. જો યુવતી સગીરા નીકળશે તો આ કેસમાં કાયદાકીય કલમો વધુ કડક બનશે અને તેના પ્રેમી પર પણ ગંભીર ગુનો નોંધાશે. નિર્દયતાની તમામ હદો પાર થઈ, સ્થાનિકોમા ભારે આક્રોશ
સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે, ભીમનગર ગરનાળા પાસે મશોબા મંદિરની સામે કચરાના સળગતા ઢગલામાં કોઈ નવજાત બાળક પડેલું હોવાનું લાગતા, તેઓ નજીક જોવા ગયા હતા. ત્યાં ખરેખર એક તાજું જન્મેલું બાળક મૃત અને સળગેલી હાલતમાં પડેલું હતું. માસૂમ જીવને આ પ્રકારે ક્રૂરતાપૂર્વક સળગાવીને પુરાવાનો નાશ કરવાના પ્રયાસને પગલે વિસ્તારના લોકોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને આ પાપ કરનાર સામે કડક પગલાં લેવાની માગ ઉઠી હતી. પ્રેમી અને નાની સામે કાયદાનો સિંકોજો કસાશે
સુરત પોલીસ હાલમાં આ મામલે અત્યંત ગંભીરતાથી આગળ વધી રહી છે. યુવતીની ધરપકડ બાદ હવે તેના પ્રેમી, જેણે ગર્ભપાતની દવાઓ સપ્લાય કરી હતી, તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત, ભ્રૂણને સળગતા કચરામાં ફેંકી આવનાર નાની સામે પણ પુરાવાનો નાશ કરવા અને માનવ જીવ પ્રત્યે ઘોર બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ આગામી દિવસોમાં કોર્ટ સમક્ષ વૈજ્ઞાનિક પુરાવા તરીકે DNA રિપોર્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ પણ વાંચો સુરતમાં નિષ્ઠુર પિતાએ માતાના ગર્ભમાં જ બાળકની હત્યા કરી સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પિતાએ પોતાના જ બાળકની માતાના ગર્ભમાં હત્યા કરી દીધી હતી. બીજું બાળક ન ઇચ્છતા પિતા મહંમદ ઇરફાને પત્નીને ગર્ભપાત માટે દવા ખવડાવી હતી. ત્યાર બાદ રાત્રે 2 વાગ્યે 6 મહિનાના ભ્રૂણને જન્માવી દીધો અને પછી મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો. પાંડેસરા પોલીસે આ ગોઝારા ગુનાનો પર્દાફાશ કરતા પિતા મહંમદ ઇરફાન અને મેડિકલ માલિક લખા રામ ચૌધરીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →