ડોંડા બંધુ સામે ખંડણીના બે ગુના દાખલ:હોટલ-સ્પા બંધ કરાવી દેવાની ધમકી આપી 77 હજાર પડાવ્યા
સરથાણામાં હોટેલ અને સ્પા સંચાલકો પાસે ખંડણી વસૂલવાના આરોપમાં લલિત ડોંડા અને તેના ભાઇ અલ્પેશ ડોંડા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. પ્રથમ બનાવમાં કડોદરા રહેતા અને હોટેલ વ્યવસાય કરતા 26 વર્ષીય ગૌતમ સિંહની ફરિયાદ મુજબ, આરોપીઓ છેલ્લા છ મહિનાથી તેને ધમકાવતા હતા કે જો હોટેલ ચલાવવી હોય તો દર મહિને રૂપિયા આપવા જ પડશે, નહીંતર હોટેલ બંધ કરાવી દઈશું. આરોપીઓએ 10 ડિસેમ્બર 2025થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 15,000 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. બીજા કિસ્સામાં રાજકોટના વેપારી હસમુખભાઈ ગણાત્રાએ ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જુલાઈ 2025થી ડિસેમ્બર 2025 વચ્ચે સરથાણા જકાતનાકા સ્થિત તેમના સ્પા અને હોટેલ બિઝનેસને લઈને આરોપીઓએ દર મહિને 25,000 આપવાની માંગણી કરી હતી. આરોપીઓએ ધમકી આપીને 50,000 રોકડા, 3,700નું ઓનલાઇન રિચાર્જ અને વિવિધ સ્કેનર એકાઉન્ટમાં 8,500 ટ્રાન્સફર કરાવી કુલ 62,200 વસૂલ્યા હતા. પૈસા ન આપવા પર હોટેલ અને સ્પા બંધ કરાવી દેવાની તેમજ ફોન અને વૉટ્સએપ દ્વારા સતત જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી. સરથાણા પોલીસે ખંડણી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →