'રેલીમાં અમને નાચવા બોલાવે છે પણ ટિકિટ કોઈ આપતા નથી':અમારા અંતિમ સંસ્કાર માટે જગ્યા પણ ફાળવાતી નથી, ચૂંટણી ટાણે કિન્નરોએ બળાપો કાઢ્યો
હીરા અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હજારોની સંખ્યામાં કિન્નર સમાજના લોકો વસે છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે, આ લોકશાહીના પર્વમાં એક એવો વર્ગ પણ છે જે વર્ષોથી ઉપેક્ષિત રહ્યો છે. સુરતમાં કિન્નર સમાજની વસ્તી હજારોમાં હોવા છતાં મતદાર યાદીમાં માત્ર 115 જેટલા જ નામ નોંધાયેલા છે. ખાસ કરીને નાનપુરા અને ગોડાદરા જેવા વિસ્તારોમાં આ સમાજની મોટી વસ્તી છે. દિવ્યભાસ્કરની ટીમ જ્યારે વોર્ડ નંબર 26, ગોડાદરા-ડીંડોલી ઉત્તરમાં રિયાલિટી ચેક કરવા પહોંચી, ત્યારે કિન્નર સમાજની વેદના અને રોષ બંને સામે આવ્યા હતા. પાયાની સુવિધાઓથી લઈને સામાજિક સન્માન સુધી, આ સમાજ આજે પણ સંઘર્ષ કરી રહ્યો છે.કિન્નર સમાજના 15 થી 29 લોકો એક જ પતરાવાળા મકાનમાં રહેવા મજબૂર છે. ભીષણ ગરમી વચ્ચે પણ તેઓ પતરાના મકાનમાં દિવસો વિતાવે છે. વધુમાં, નળમાં સાફ પાણી આવતું નથી અને કચરો લેવા માટે એક-એક અઠવાડિયા સુધી કર્મચારીઓ આવતા નથી, તેવી ફરિયાદ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી છે. વોટ લેવા માટે હાથ જોડે છે, જીતી ગયા પછી દૂરથી હાથ બતાવે છેઃ પાયલ કુંવર
ગોડાદરાની રામરાજ્ય સોસાયટીમાં રહેતા પાયલ કુંવરે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે કિન્નર તરીકે પેદા થયા કે થયા પછી જે અમારા પર વીતે છે એ અમને જ ખબર છે. સામાન્ય સ્ત્રી-પુરુષોને બધી સુવિધાઓ પૂછવામાં આવે છે, પણ અમારે ત્યાં આજ સુધી કોઈ કોર્પોરેટર કે નેતા આવ્યા નથી. વોટ લેવા હોય ત્યારે બધા આવી જાય છે કે આશીર્વાદ આપો, પણ જીત્યા પછી ઓળખતા પણ નથી. અમે લાઇનમાં ઊભા રહીને વોટ આપીએ છીએ કે નેતા અમને પૂછશે, પણ જીત્યા પછી તેઓ દૂરથી જ હાથ બતાવી દે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, મર્યા પછી અંતિમ સંસ્કાર અને દફનવિધિ માટે જગ્યા માંગતા અમે ત્રણ વર્ષથી કલેક્ટરને અરજી આપી છે, પણ હજુ સુધી કિન્નર સમાજનો નંબર લાગ્યો નથી. મોદીજી 'બેટી બચાવો' કહે છે પણ 'કિન્નરો કો પઢાઓ, આગે બઢાઓ' કેમ નથી કહેતા? અમને પણ ગાંધીનગર અને પાર્લામેન્ટ સુધી પહોંચવાનું સપનું છે." ‘અમે શું એલિયન છીએ? વોટ લેવા હોય ત્યારે આશીર્વાદ લેવા દોડો છો’
અવગણના અંગે મૈથલી ઝુલી કુંવરે તીખા સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "ચૂંટણી આવે એટલે સાંભળીએ છીએ કે મતદાન કરવાનું છે, પણ એ વોટ શા માટે આપવાનો એ કોઈ કહેતું નથી. નર, નારી અને બાળકો માટે યોજનાઓ બને છે પણ કિન્નર માટે કોઈ સુવિધા નથી. ઇલેક્શન પહેલા આમ આદમી, કોંગ્રેસ કે ભાજપ હોય, બધા આશીર્વાદ લેવા આવે છે કે અમે તમારું બધું સારું કરશું. વર્ષોથી આ જ સાંભળતા આવ્યા છીએ. જો તમે કિન્નરોની ગણતરી જ નથી કરતા તો શું અમે એલિયન છીએ? જો તમે અમને દેશના નાગરિક સમજીને અમારા વોટ સ્વીકારતા હોવ, તો અમને નાગરિકતાનું માન-સન્માન પણ આપો. જીત્યા પછી તો તમે અમારું મોઢું જોવાનું પણ પસંદ કરતા નથી." ‘રેલીમાં નાચવા માટે બોલાવે છે, પણ ટિકિટ આપવા કોઈ તૈયાર નથી’
સાહેબા કુંવરે રાજકીય પક્ષોના ઉપયોગીતાવાદી અભિગમ પર પ્રહાર કરતા કહ્યું કે, "જ્યારે ચૂંટણી આવે ત્યારે રેલીઓમાં અમને નાચવા માટે ભાવભર્યું ઇન્વિટેશન આપે છે, પણ કામ પતી જાય એટલે અમને કોઈ ઓળખતું નથી. મહિલાઓ અને પુરુષો માટે ગેસ, સિલાઈ મશીન કે અન્ય કેટલાય કોર્સ નીકળે છે, પણ અમારા માટે શું? કંઈ જ નથી. અમને પણ ભણી-ગણીને ડોક્ટર કે ટીચર બનવું છે, પણ કોઈ મોકો આપે ત્યારે ને? સુરતમાંથી અત્યાર સુધી કોઈ કિન્નરને ટિકિટ મળી નથી. જો અમારા ઘરેથી એક કિન્નર ઊભો થશે ને તો આખા ઇન્ડિયાના કિન્નરો સપોર્ટ કરવા આવશે, પણ અમને ટિકિટ આપવા કોઈ રાજી થતું નથી." ‘નળમાં ગટરનું પાણી અને કબૂતરના પીંછા આવે છે, નેતાઓ ડોકાતા નથી’
ગોડાદરા વિસ્તારમાં રહેતા મહિમા કુંવરે વિસ્તારની બદતર સ્થિતિ અંગે જણાવ્યું કે, "અમારે પાણીની બહુ મોટી સમસ્યા છે. નળમાં એટલું ખરાબ પાણી આવે છે કે એ ગટરનું પાણી છે કે પીવાનું એ જ ખબર નથી પડતી. ઘણીવાર પાણીની અંદર જીવાત દેખાય છે તો ક્યારેક મરેલા કબૂતરના પીંછા નીકળે છે. અમે વેચાતું પાણી લાવીએ છીએ અને મહેમાન આવે ત્યારે બીજાના ઘરેથી બોરિંગનું પાણી માંગી લાવીએ છીએ. આજ સુધી કોઈ કોર્પોરેટરે અમારી આ સમસ્યાનું સોલ્યુશન લાવવા દરકાર કરી નથી. અમે તો આજ સુધી કોઈ કોર્પોરેટરને જોયા જ નથી કે જે અમારું આ પાણીનું કોઈ સોલ્યુશન લાવે. પાણીની સમસ્યાથી અમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ." કિન્નર સમાજની વેદના: ‘આશીર્વાદ આપનારાના આસુ કોણ લૂછશે?’
એક વાત સ્પષ્ટ થાય છે કે, સુરતનો કિન્નર સમાજ હવે જાગૃત થયો છે. તેઓને હવે માત્ર ચૂંટણીના વચનો કે રેલીઓમાં ‘નાચનારા’ તરીકેનો ટેગ મંજૂર નથી. પાયલ કુંવરની ગાંધીનગર સુધી પહોંચવાની ઈચ્છા હોય કે સાહેબા કુંવરની ટિકિટ મેળવવાની જીદ, આ બધું જ દર્શાવે છે કે સમાજની મુખ્યધારામાં ભળવા માટે આ વર્ગ આતુર છે. ગંદા પાણીની સમસ્યા અને અંતિમ સંસ્કાર માટેની જગ્યા જેવા પાયાના પ્રશ્નો જ્યારે હજારોની વસ્તી ધરાવતા સમાજને સતાવતા હોય, ત્યારે તંત્રની ઉદાસીનતા સામે મોટા સવાલો ઉભા થાય છે. ‘દુવા’ આપનારા આ હાથો હવે પોતાના હક માટે ‘અવાજ’ ઉઠાવી રહ્યા છે. સુરતમાં કિન્નરોની વાસ્તવિક સંખ્યા હજારોમાં, મતદાર યાદીમાં માત્ર 115
સુરત શહેરમાં વસતા કિન્નરોની સંખ્યા હજારોમાં છે. પરંતુ, મતદાર યાદીમાં નોંધાયેલા કિન્નરોનોઆંકડો ફક્ત 115 છે. સુરતના નાનપુરા, ગોડાદરા અને ડીંડોલી વિસ્તારમાં મોટી સંખ્યામાં કિન્નરો વસવાટ કરે છે. જેઓની મુખ્ય માંગણી, અંતિમ સંસ્કાર માટે જમીન, સ્વચ્છ પાણી, શિક્ષણ-રોજગારમાં અનામત અને રાજકીય પ્રતિનિધિત્વની છે.
Read Original Article →