મ્યુનિ. કમિશનરની મેરાથોન બેઠક:તાપી રિવરફ્રન્ટ અને બેરેજ પ્રોજેક્ટની અડચણો દૂર કરવા એક્શન પ્લાન, પુણે જઈને બેરેજના મોડલ રનનું કમિશનર નિરીક્ષણ કરશે
સુરત શહેરના આંતરમાળખાકીય વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને કમર કસી છે. શહેરના અત્યંત મહત્વકાંક્ષી અને આઇકોનિક ગણાતા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ જાણવા માટે તેમણે આઈસીસીસી (ICCC) ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે એક લાંબી મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને તાપી રિવરફ્રન્ટ અને બેરેજ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. કમિશનરે માત્ર ફાઈલો પર જ નહીં, પણ ગ્રાઉન્ડ લેવલ પર પ્રોજેક્ટની શું સ્થિતિ છે તેની ઝીણવટભરી વિગતો મેળવવા પ્રેઝન્ટેશન સાથે અધિકારીઓનો વન-ટુ-વન રિવ્યૂ લીધો હતો. ટેક્નિકલ પાસાં અને મોડલ રન પર ભાર
આ સમીક્ષામાં તાપી નદી પર સાકાર થઈ રહેલા બેરેજ પ્રોજેક્ટની ટેકનિકલ ગૂંચવણો અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પુણેમાં 'ગેરી'ના હેડક્વાર્ટર્સ ખાતે તૈયાર કરાયેલા કન્વેન્શનલ બેરેજના મોડલ રન, કોફર ડેમની મજબૂતી અને નદીમાં ડીસિલ્ટિંગની જરૂરિયાત જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા. કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે નદીના કુદરતી વહેણ અને પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને જ ભવિષ્યનું આયોજન કરવું અનિવાર્ય છે. આ માટે તેઓ આગામી દિવસોમાં રૂબરૂ પુણે જઈને બેરેજના મોડલ રનનું નિરીક્ષણ કરશે. સનર્જી એરેના અને વહીવટી ભવનનું આયોજન
બેઠકમાં માત્ર તાપી પ્રોજેક્ટ જ નહીં, પરંતુ વેસુ વિસ્તારમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે તૈયાર થઈ રહેલા ‘સનર્જી એરેના’ પ્રોજેક્ટ અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. શહીદ સ્મારક પાસે આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટની ગતિ વધારવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, રિંગ રોડ પર બની રહેલા મહાપાલિકાના નવા આધુનિક વહીવટી ભવનની કામગીરીમાં ક્યાંય અવરોધ ન આવે અને તે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે કમિશનરે એન્જિનિયરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુણવત્તા અને પૂર નિયંત્રણ અંગે કડક સૂચના
કમિશનરે બેઠક દરમિયાન અધિકારીઓને ચાર મુખ્ય મુદ્દાઓ પર કામ કરવા આદેશ આપ્યો છે. જેમાં હાઈડ્રોલિક મોડલ રન અને ફ્લો મેનેજમેન્ટની ચોકસાઈ, સાઈટ વિઝિટ દ્વારા ટેક્નિકલ ક્ષતિઓની ચકાસણી, અને ક્વોલિટી કંટ્રોલમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તાપી નદીના પટમાં ચાલી રહેલી કામગીરી પૂરની સ્થિતિમાં કોઈ અવરોધ પેદા ન કરે અને શહેરની સુરક્ષા જળવાઈ રહે તે માટે અત્યારથી જ તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. વિભાગો વચ્ચે સંકલન સાધવા આદેશ
શહેરના સર્વાંગી વિકાસ માટે કમિશનરે તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવા પર ભાર મૂક્યો છે. પ્રોજેક્ટ્સને માત્ર માળખાગત રીતે જ નહીં, પણ તે લોકો માટે વધુ આકર્ષક અને ઉપયોગી બને તે દિશામાં નવા સૂચનો અમલી બનાવવા જણાવ્યું છે. આગામી દિવસોમાં કમિશનર પોતે વિવિધ સાઇટ્સની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિનું સીધું નિરીક્ષણ કરશે, જેથી પ્રોજેક્ટમાં આવતી નાની-મોટી વહીવટી કે ટેકનિકલ અડચણોને સ્થળ પર જ દૂર કરી શકાય.
Read Original Article →