વાલક ઇન્ટેકવેલ પાસે તાપી નદી બની 'ગાર્ડન', DRONE:જીવાદોરી તાપી પર 'જળકુંભી'નો અજગરી ભરડો, અડધા કિમી સુધી લીલી ચાદર; 12 હજારથી વધુ ફરિયાદોનો રાફડો
સુરતની જીવાદોરી ગણાતી તાપી નદી હાલ અસ્તિત્વની ગંભીર લડાઈ લડી રહી છે. ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા તાજેતરના વિહંગમ દ્રશ્યો સુરતની આ ગંભીર સમસ્યાને આબેહૂબ રીતે ઉજાગર કરી રહ્યા છે. શહેરની વાલક ઇન્ટેકવેલ પાસે તાપી નદીના પટમાં લગભગ અડધા કિલોમીટરના વિસ્તારમાં જળકુંભીની ઘટાદાર લીલી ચાદર પથરાયેલી જોવા મળી છે. આ દ્રશ્યો જોઈને કોઈને પણ એવું લાગે કે અહીં કોઈ નદી નથી, પરંતુ કોઈ મોટું અને ગાઢ લીલું ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જળકુંભીની ચાદરે નદીના પ્રવાહને સંપૂર્ણપણે રૂંધી નાખ્યો
જ્યારે ડ્રોન ઉપરથી તાપી નદીના આ દ્રશ્યો કેદ કર્યા, ત્યારે નદીનું પાણી સંપૂર્ણપણે ઢંકાઈ ગયેલું જોવા મળ્યું હતું. આ અડધા કિલોમીટર લાંબી જળકુંભીની ચાદરે નદીના પ્રવાહને સંપૂર્ણપણે રૂંધી નાખ્યો છે. ડ્રોન શોટ્સમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે આ વનસ્પતિએ ઇન્ટેકવેલ પાસે અજગરી ભરડો લીધો છે. દૂરથી જોતા આ વિસ્તાર સુંદર લાગી શકે છે, પરંતુ નજીકથી જોતા આ સુરતની પાણીની સમસ્યાનું સૌથી મોટું અને ભયાનક કારણ છે. ગટરના પાણીથી પોષાય છે આ વનસ્પતિ
નદીમાં બેરોકટોક છોડવામાં આવતા ગટરના ગંદા પાણીને કારણે જળકુંભીને જરૂરી પોષક તત્વો મળી રહે છે, જેને લીધે આ વનસ્પતિ ખૂબ જ ઝડપથી ફેલાઈ છે. ડ્રોન શોટ્સમાં દેખાતી આ જળકુંભીના સામ્રાજ્યને કારણે સુરત મહાનગરપાલિકાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં 'બેક વોશ'ની પ્રક્રિયા વારંવાર કરવી પડી રહી છે. મનપા માટે આ માત્ર સફાઈનો પ્રશ્ન નથી, પરંતુ હવે તે એક મોટું આર્થિક ભારણ પણ બની રહ્યું છે. 12 હજારથી વધુ ફરિયાદોનો રાફડો ફાટ્યો
નદીમાં વકરેલી આ ગંભીર સમસ્યાની સીધી અસર હવે સુરતના નાગરિકોના ઘરો સુધી પહોંચી રહી છે. 1 જાન્યુઆરીથી 15 મે 2026 સુધીના સાડા ચાર મહિનાના ગાળામાં જ સુરત મનપાને પીવાના પાણીને લગતી કુલ 12,389 ફરિયાદો મળી ચૂકી છે. આ સત્તાવાર આંકડાઓ અનુસાર, અનેક વિસ્તારોમાં ઓછા દબાણે પાણી આવવું, ગંદુ પાણી મળવું અને વિતરણમાં વિલંબ જેવી સમસ્યાઓ રોજિંદી બની ગઈ છે. નોંધાયેલ ફરિયાદો પૈકી 2,156 ફરિયાદો તો માત્ર દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીની છે. વરાછા ઝોન પાણીની સમસ્યાનું હોટસ્પોટ
ઝોન વાઇઝ સ્થિતિ તપાસતા સૌથી વધુ અસર વરાછા વિસ્તારમાં જોવા મળી રહી છે, જે તાપી નદીના પટની નજીક આવેલો છે. મનપાના ચોપડે નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી અડધાથી વધુ એટલે કે એકલા વરાછા ઝોનમાંથી 6,060 ફરિયાદો નોંધાઈ છે. ઉનાળામાં જ્યારે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ હોય છે, ત્યારે આ ગીચ વિસ્તારોમાં ગંદુ પાણી આવવું એ જનઆરોગ્ય માટે મોટો ખતરો છે. હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ બચાવ કર્યો
આ અંગે હાઇડ્રોલિક વિભાગના ડે. ઇજનેર નીતિન ચૌધરીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઝવેનું લેવલ ડાઉન થાય ત્યારે અમે ઇરિગેશન વિભાગ પાસેથી પાણી છોડાવીએ છીએ, તે દરમિયાન ઉપરવાસમાંથી જળકુંભીઓ તાપીમાં ખેંચાઈ આવે છે અને વાલક પાસે જમા થાય છે. અમે તાકીદના ધોરણે ડીવીડી મશીનો મૂકીને સફાઈ કામગીરી શરૂ કરી છે. અમારી પાસે બે મશીનો છે અને કંપની દ્વારા શિફ્ટ ડ્યુટીમાં કામગીરી કરવામાં આવે છે. 'દર વર્ષે નવા ટેન્ડર, જૂની સમસ્યા'
પૂર્વ કોર્પોરેટર મહેશભાઈ અનઘડે તંત્ર પર પ્રહાર કરતા કહ્યું કે, તાપી નદી સુરતની જીવાદોરી છે, પરંતુ નિષ્ફળ તંત્રને કારણે તે આજે સુરતીઓ અને જળચર પ્રાણીઓ માટે મોતનું કારણ બની રહી છે. તાપી શુદ્ધિકરણ માટે 972 કરોડનો પ્રોજેક્ટ આવ્યો, પૈસા વપરાઈ ગયા પણ પરિસ્થિતિ એની એ જ છે. દર વર્ષે એકનું એક કામ, નવા ટેન્ડર, કોન્ટ્રાક્ટરોને કામ સોંપવું અને કમિશન લેવું - આ જ ભાજપ શાસિત મનપાનું નેટવર્ક છે. આરોગ્ય સામે તોળાતું જોખમ
નિષ્ણાતોના મતે, જળકુંભીના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને બેક્ટેરિયાનો ઉપદ્રવ વધે છે. જ્યારે આ પાણી નળ વાટે ઘરોમાં પહોંચે છે, ત્યારે ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગોનું જોખમ અનેકગણું વધી જાય છે. ખાસ કરીને વરાછા અને લિંબાયતના ગીચ વિસ્તારોમાં જ્યાં મોટાભાગની ફરિયાદો નોંધાઈ છે, ત્યાં આરોગ્ય વિભાગે અત્યારથી જ એલર્ટ થવાની જરૂર છે. શું તંત્ર કાયમી ઉકેલ લાવશે?
હકીકત એ છે કે અત્યાધુનિક મશીનો હોવા છતાં સુરતમાં દર વર્ષે આ સમસ્યા પુનરાવર્તિત થાય છે. અધિકારીઓ ટેકનિકલ કારણો આપીને જવાબદારીમાંથી છૂટવા માંગે છે, જ્યારે પ્રજા દૂષિત પાણી પીવા મજબૂર છે. માત્ર સપાટી પરથી જળકુંભી સાફ કરવી એ કાયમી ઉકેલ નથી. પર્યાવરણવિદો માને છે કે જ્યાં સુધી નદીમાં ભળતા ગંદા પાણીના ડ્રેનેજ કનેક્શન્સ સંપૂર્ણપણે બંધ નહીં થાય, ત્યાં સુધી જળકુંભીનું સર્જન અટકશે નહીં.
Read Original Article →