ડિંડોલીમાં યુવતીની બિલ્ડિંગ પરથી મોતની છલાંગ:ભાઈનું દેવું ભરવા અને પોતાના લગ્ન માટે ઘર વેચવાની વાત આવતા લાગી આવ્યું, પરિવારનો આક્ષેપ-લોન રિકવરી એજન્ટ ત્રાસ આપતો
સુરત શહેરમાં રિકવરી એજન્ટોના ત્રાસ અને માનસિક અત્યાચારની એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર માનવતાને ઝંઝોળી મૂકી છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. પરિવારે આક્ષેપ કરીને કહ્યું કે, લોન રિકવરી એજન્ટોના અસહ્ય ત્રાસ આપતો. ડીંડોલી પીઆઈ કહ્યું, ભાઈનું દેવું ભરવા અને પોતાના લગ્ન માટે ઘર વેચવાની વાત આવતા યુવતીને લાગી આવતાં આ અંતિમ પગલું ભર્યું છે. યુવતીએ હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી
સુરત ડીંડોલીના પોશ વિસ્તાર ગણાતા શ્રીકૃષ્ણ હેરિટેજમાં ગઈકાલે સાંજે અચાનક એક જોરદાર અવાજ સાથે સંજના નામની યુવતી લોહીલુહાણ હાલતમાં નીચે પટકાઈ હતી. સ્થાનિક રહીશો દોડી આવ્યા ત્યારે યુવતીના શ્વાસ થંભી ગયા હતાં. 25 વર્ષની આશાસ્પદ યુવતીએ ડીંડોલીની હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનું આયુષ્ય ટૂંકાવી દીધું હતું. રિકવરી એજન્ટોએ જીવવું હરામ કરી નાખ્યું હતું- પરિવારનો આક્ષેપ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતી સંજનાના પરિવારની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી આર્થિક રીતે નબળી પડી હતી. પરિવાર પર એક હોમ લોન બે લક્ઝુરિયસ કાર લોન આ લોનના હપ્તા છેલ્લા કેટલાક સમયથી બાકી પડ્યા હતા. ધંધામાં મંદી અથવા અન્ય આર્થિક કારણોસર હપ્તા ચૂકવવામાં વિલંબ થયો હતો. આ વિલંબ યુવતી માટે માટે કાળ બનીને આવ્યો. પરિવારે આક્ષેપ કર્યો છે કે, બેંક દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રિકવરી એજન્ટોએ છેલ્લા એક મહિનાથી તેમનું જીવવું હરામ કરી નાખ્યું હતું. મોટી બહેન અને ભાઈ આઘાતમાં, પરિવારની ન્યાયની માગ
મૃતક સંજનાના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા, એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે. સંજના ઘરની જવાબદારીઓમાં પણ મદદરૂપ થતી હતી. ઘરમાં બે કાર અને ઘર હોવા છતાં, આર્થિક ખેંચતાણ એટલી હદે વધી ગઈ કે મધ્યમ વર્ગના આ પરિવારે પોતાની વહાલસોયી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સંજનાની મોટી બહેન અને ભાઈ હાલ આઘાતમાં છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. 'હું જ નહીં રહું તો મારા લગ્ન ક્યાંથી થશે અને તેથી યુવતીએ આપઘાત કર્યો'
યુવતીના આપઘાતને લઈ ડીંડોલી પીઆઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, યુવતીના ભાઈને કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને યુવતી પોતે ઉંમરલાયક હતી એટલે ઘરમાં વાત ચાલી હતી કે આપણું જે ઘર છે તેને વેચી નાખીએ અને તેમાંથી આ દેવું પણ ભરી દઈએ અને તારા લગ્ન પણ કરી નાખીએ. જેથી યુવતી લાગણીશીલ સ્વભાવની હોવાથી તેને લાગી આવ્યું અને તેણે મનમાં એવું થયું કે મારા કારણે આટલા પૈસાનો વ્યય થશે હું જ નહીં રહું તો મારા લગ્ન ક્યાંથી થશે અને તેથી તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Read Original Article →