પાલમાં શોપિંગ કોમ્પ્લેક્સના ચોથા માળે યુવક ફસાયો:ફાયર બ્રિગેડે કાચ તોડી ટર્ન ટેબલ લેડરથી સહીસલામત બચાવ્યાનો VIDEO, અડધો કલાક ચાલી રેસ્ક્યૂ કામગીરી
સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં આજે સફાઈ કામ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. પાલ વિસ્તારના એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ચોથા માળે સાફ-સફાઈ કરવા ગયેલો એક યુવક દિવાલની સાઈડમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ યુવકને સહીસલામત નીચે ઉતારી લીધો હતો. વિશાલ આર્કેડના ચોથા માળે યુવક ફસાતા દોડધામ મચી
મળતી માહિતી મુજબ, પાલ વિસ્તારમાં આવેલા ‘નિશાન આર્કેડ’ નામના શોપિંગ કોમ્પ્લેક્સમાં આ ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક યુવક કોમ્પ્લેક્સની બહારની દીવાલની સાઈડમાં સાફ-સફાઈ કરવા માટે ગયો હતો. જોકે, સફાઈ કરતાં કરતાં તે એવી જગ્યાએ પહોંચી ગયો જ્યાંથી તેના માટે પરત ફરવું અશક્ય બની ગયું હતું. ચોથા માળની ઊંચાઈએ યુવક ફસાઈ જતાં આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ટર્ન ટેબલ લેડર સાથે ફાયરની ટીમ દોડી આવી
ઘટનાની ગંભીરતાને જોતાં જ ફાયર ઓફિસર વાનખેડે સહિતની ટીમ સહેજ પણ સમય બગાડ્યા વિના રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. યુવક ચોથા માળે ખૂબ જ જોખમી સ્થિતિમાં ફસાયો હોવાથી તેને નીચે ઉતારવા માટે તાત્કાલિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ એટલે કે ટર્ન ટેબલ લેડર મશીન મંગાવવામાં આવ્યું હતું. પહેલા સેફ્ટી બેલ્ટ પહેરાવ્યો, પછી કાચ તોડીને બહાર કાઢ્યો
ફાયરના જવાનોએ બિલ્ડિંગની બહાર ટર્ન ટેબલ લેડર ગોઠવીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ઊંચાઈ પરથી યુવક સંતુલન ગુમાવીને નીચે ન પડી જાય તે માટે ફાયર ફાઈટર્સે સૌથી પહેલાં તેને સેફ્ટી બેલ્ટ પહેરાવી સુરક્ષિત કર્યો હતો. ત્યારબાદ કોમ્પ્લેક્સના કાચ તોડીને યુવકને ખૂબ જ સાવચેતીપૂર્વક ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને હાઈડ્રોલિક લેડર મારફતે નીચે લાવવામાં આવ્યો હતો. અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ સફળ
ફાયર વિભાગની ટીમે અંદાજે અડધા કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને આ આખું રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. સદનસીબે, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે યુવકને સહેજ પણ ઈજા પહોંચ્યા વિના સહીસલામત બચાવી લેવાયો હતો. યુવક સુરક્ષિત નીચે ઉતરતા જ કોમ્પ્લેક્સના વેપારીઓ અને ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયરની ટીમનો આભાર માન્યો હતો.
Read Original Article →